વિમાનમાં મુસાફરી કરવાની મજા જ કઈક અલગ હોય છે. પરંતુ તેના જોખમો પણ ઘણા હોય છે. ઘણી વખત, ફ્લાઇટ ક્રેશ અથવા ટેકનિકલ ખામીના સમાચાર લોકોમાં હવાઈ મુસાફરી અંગે ભય પેદા કરે છે. હવે વિચારો, જો તમે જેના ભરોસે તમારું જીવન તે ઉડતા વિમાનને સોંપ્યું છે તે પાયલોટ અચાનક બેભાન થઈ જાય તો શું થશે? લુફ્થાન્સાની ફ્લાઇટમાં પણ કંઈક આવું જ બન્યું. આ ઘટના ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪ ની છે, પરંતુ તે હમણાં જ જાહેર થઈ છે અને જેણે પણ આ સાંભળી તે ચોંકી ગયો.
કલ્પના કરો, તમે 36000 ફૂટની ઊંચાઈએ ઝડપથી ઉડતા વિમાનમાં બેઠા છો અને અચાનક કોકપીટમાં રહેલો એકમાત્ર પાયલોટ બેભાન થઈને પડી જાય છે! કંપનીએ એક વર્ષ બાદ આ ઘટનાનો ખુલાસો કર્યો છે. શનિવારે, કંપનીએ જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરી, 2024 ના રોજ, ફ્રેન્કફર્ટથી સેવિલ જતી લુફ્થાન્સાની ફ્લાઇટ LH-1790 માં હંગામો થયો હતો. કો-પાયલટ કોકપીટમાં એકલો હતો. અને અચાનક બેહોશ થઈ ગયો હતો. તે સમયે ચીફ પાયલટ વોશરૂમ ગયા હતા. આગામી 10 મિનિટ સુધી વિમાન સંપૂર્ણપણે ઓટોપાયલટ પર આકાશમાં ફરતું રહ્યું.
તે દિવસે શું થયું?
એરલાઇનની ફ્લાઇટ LH-1790 જર્મનીના ફ્રેન્કફર્ટથી સ્પેનના સેવિલે જઈ રહી હતી. એરબસ A321 વિમાનમાં 199 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. ઉડાન દરમિયાન, મુખ્ય પાયલોટ વોશરૂમમાં ગયા હતા ત્યારે સહ-પાયલોટ અચાનક બેભાન થઈને પડી ગયો હતો. તે સમયે, વિમાન સંપૂર્ણપણે ઓટોપાયલટ મોડમાં ગયું અને લગભગ 10 મિનિટ સુધી કોઈપણ નિયંત્રણ વિના ઉડતું રહ્યું.

