
અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી FBIએ બે ચીની નાગરિકની ખતરનાક જૈવિક રોગકારક જીવાતની તસ્કરીના આરોપમાં ધરપકડ કર્યા બાદ અમેરિકામાં ચીની બાબતોના અગ્રણી નિષ્ણાતની ચેતવણીએ અમેરિકાની ચિંતા વધારી દીધી છે અને કહ્યું છે કે, વર્તમાન સમયને ધ્યાને રાખી બીજિંગ સાથે સંપૂર્ણ સંબંધો તોડવાની તાતી જરૂર છે. તેમણે ચેતવણી આપી છે કે, જો અમેરિકા ઝડપી કાર્યવાહી નહીં કરે તો તેણે કોરોનાથી પણ ખતરનાક ખતરાનો સામનો કરવો પડશે.
અમેરિકામાં ફૂગની તસ્કરી
FBIએ બે ચીની નાગરિકની ખતરનાક જૈવિક રોગકારક જીવાતની તસ્કરીના આરોપમાં ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલી ચીની નાગરિકનું નામ યુનકિંગ જિયાન અને જુનયોંગ લિયૂ છે. તેના પર આરોપ છે કે, તે એક ખતરનાક જૈવિક રોગજન્ય (બાયોલોજિકલ પૈથોજન) જીવાતને તસ્કરી કરીને અમેરિકામાં લાવી હતી. ખુદ FBI પ્રમુખ કાશ પટેલે મંગળવારે (3 જૂન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપી હતી. પટેલે જણાવ્યું કે, જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે જિયાન યુનિવર્સિટી ઑફ મિશિગનમાં કામ કરી રહી હતી. તેના પર આરોપ છે કે, તેણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) પ્રતિ વફાદારી દર્શાવી છે. તેને ચીન સરકાર તરફથી આ ફંગસ પર કામ કરવા માટે ફન્ડિંગ પણ મળ્યું હતું. ચીની મહિલા પર જે પૈથોજનની તસ્કરીનો આરોપ છે તેને વૈજ્ઞાનિક દુનિયામાં 'સંભવિત કૃષિ આતંકવાદ હથિયાર'ના રૂપે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
અમેરિકાને મોટું નુકસાન પહોંચાડવા ચીનનું ષડયંત્ર
અમેરિકામાંથી ફંગસ સાથે બે ચીની નાગરિકો પકડાયા બાદ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની પ્રવૃત્તિઓના અગ્રણી વિશ્લેષક ગોર્ડન જી. ચાંગે કહ્યું કે, આ ઘટના અમેરિકા પર મોટો હુમલો છે. બે ચીની નાગરિકોની ધરપકડ કરાયા બાદ તેમણે ચેતવણી આપી છે કે, ફંગસનું ષડયંત્ર કોઈ મોટી ઘટનાના સંકેત આપી રહી છે. અમેરિકાને અંદરથી મોટું નુકસાન પહોંચાડવા માટે ચીન મોટું સિક્રેટ મિશન પર કામ કરી રહ્યું હોય તેમ લાગે છે. જો આ મોટા ખતરાને અટકાવવો હોય તો અમેરિકાએ ચીન સાથે સંબંધો તોડવા ખૂબ જરૂરી છે.
ફંગસમાં દેશને વેરવિખેર કરવાની તાકાત
જિયાને 'ફ્યૂઝેરિયમ ગ્રેમિનેરમ' નામના ખતરનાક ફંગસને અમેરિકામાં લાવીને રિસર્ચ માટે ઉપયોગ કર્યો હતો. આ ફંગસ એક એગ્રો-ટેરેરિઝમ એજન્ટ માનવામાં આવે છે, જે ઘઉં, મકાઈ અને અનાજના પ્રમુખ પાકમાં હેડ બ્લાઇટ નામનો રોગ ફેલાવે છે. તે ન ફક્ત પાકને ભારે નુકસાન પહોંચાડે છે, પરંતુ માણસ અને જાનવરના સ્વાસ્થ્ય માટે પણ જોખમી માનવામાં આવે છે. આ ફંગસ દર વર્ષે દુનિયાભરમાં અબજો ડૉલરનું આર્થિક નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે. અમેરિકાના લૉ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, ફંગસ ખેતી અને ખાદ્ય પદાર્થો માટે બહુ મોતો ખતરો છે. વૈજ્ઞાનિકોએ આ ફંગસને એગ્રો-ટેરેરિઝમ એટલે કે આતંકવાદ કહ્યો છે. જો આ ફંગસ ફેલાય તો ખાદ્ય અનાજની અછત, આર્થિક સંકટ અને આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. તેના કારણે લીવરને નુકસાન સહિત પ્રજનન સમસ્યાઓ ઉભી થઈ શકે છે.