
ચૂંટણી પંચે રજિસ્ટર્ડ નિષ્ક્રિય 345 રાજકીય પક્ષની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની અધ્યક્ષતા હેઠળ માન્યતા વિનાના રાજકીય પક્ષોની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ એવા પક્ષો છે જેમણે 2019થી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાગ લીધો નથી અને જેમના કાર્યાલયો સમગ્ર દેશમાં ક્યાંય ભૌતિક રીતે જોવા મળ્યા નથી.
ચૂંટણી પંચે ગઈકાલે ગુરૂવારે જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 345 પક્ષ મળી આવ્યા છે. જેનું રજિસ્ટ્રેશન તો થયેલું છે. પરંતુ સક્રિયપણે રાજકારણમાં કોઈ ભૂમિકા ભજવી રહ્યા નથી. હાલમાં રજિસ્ટર્ડ 2800થી વધુ પક્ષોએ માન્યતા ગુમાવી છે. તેમણે આવશ્યક શરતોનું અનુસરણ કર્યું નથી. આવા પક્ષો વિરૂદ્ધ અભિયાન ચલાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોંધણી રદ કરવાના નિયમો શું છે?
ચૂંટણી પંચના નિયમો અનુસાર, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૨૯એ અને ચૂંટણી પ્રતીક (અનામત અને ફાળવણી) આદેશ, ૧૯૬૮ હેઠળ, જો કોઈ નોંધાયેલ પક્ષ સતત ૬ વર્ષ સુધી લોકસભા, વિધાનસભા અથવા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાગ લેતો નથી, તો તેની નોંધણી રદ કરી શકાય છે. આવા પક્ષો ઘણીવાર ફક્ત કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે અને કર મુક્તિ, મની લોન્ડરિંગ અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોઈ શકે છે. પંચે આ પક્ષોના નોંધાયેલા સરનામાંઓની ભૌતિક ચકાસણી હાથ ધરી હતી, જેમાં આ પક્ષો અસ્તિત્વમાં ન હોવાનું જાણવા મળ્યું હતું.
રાષ્ટ્રવ્યાપી ગેરમાન્ય પક્ષોની ઓળખ
ચૂંટણી પંચ દ્વારા ગેરમાન્ય પક્ષોની ઓળખ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પ્રથમ ચરણમાં અત્યારસુધી 345 પક્ષને ઓળખી કાઢવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી પંચ કમિશનરે આ પક્ષોને શૉ કૉઝ નોટિસ પણ પાઠવી છે.
રજિસ્ટર્ડ પક્ષોને કરમાં છૂટ સહિતની સુવિધા
દેશમાં રાષ્ટ્રીય/રાજ્ય/ગેરમાન્ય રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 29A હેઠળ કરવામાં આવે છે. આ જોગવાઈ હેઠળ નોંધણી થયા પછી, રાજકીય પક્ષને કરમુક્તિ સહિત ઘણી અન્ય સુવિધાઓ મળે છે. કમિશનના જણાવ્યા અનુસાર, રાજકીય વ્યવસ્થાને પારદર્શક અને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
2022 માં 86 પક્ષોને દૂર કર્યા હતા
ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ 345 પક્ષો દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. આમાંના ઘણા પક્ષોએ તેમના સરનામાંમાં ફેરફાર વિશે કમિશનને જાણ પણ કરી ન હતી, જે નિયમોનું ઉલ્લંઘન છે. 2022 ની શરૂઆતમાં કમિશને 86 અસ્તિત્વમાં ન હોય તેવા પક્ષોને દૂર કર્યા હતા અને 253 ને 'નિષ્ક્રિય' જાહેર કર્યા હતા. આ વખતે પણ કમિશને કડક વલણ અપનાવ્યું છે અને નિષ્ક્રિય પક્ષોને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાંથી, આ પક્ષોને મફત ચૂંટણી પ્રતીકો અને અન્ય સુવિધાઓ જેવા લાભો બંધ થઈ જશે. આ પગલું માત્ર રાજકીય પ્રક્રિયાને મજબૂત બનાવશે એટલું જ નહીં પરંતુ મતદારોનો વિશ્વાસ પણ વધારશે.