
પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ સ્ટરલાઈટ દ્વારા નાખવામાં આવનાર 765 કેવી વીજ લાઇન પસાર થનાર છે. આ વીજ લાઇન સુરત જિલ્લાના પણ અનેક ગામોમાંથી પસાર થનાર છે. ત્યારે હવે ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. અગાઉ પણ સુરત જિલ્લાના માંડવી, પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એવું બારડોલી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં થાય એ માટે ખેડૂત સમાજની અગત્યની બેઠક મળી હતી. બારડોલી તાલુકાના મોતા ગામે આ બેઠક યોજાઇ હતી.
ફરી ઉગ્ર લડતની ચીમકી
પાવર ગ્રીડ દ્વારા 765 કેવીની બે લાઇન નાખવામાં આવનાર છે. સને 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટના જૂના કાયદાઓ મુજબ પાવર ગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે. ખેડૂતોએ ક્યાંય સહી ના કરવી, નોટિસ પાવર ગ્રીડની આવે તો ના લેવી તેમજ વળતર અંગે લેખિતમાં બાંહેધરીના મળે ત્યાં સુધી કામ નહીં કરવા દેવા ઠરાવ પણ કરાયો હતો. વીજ લાઇન અન્ડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીનને પણ ખોટી અસર નહીં થાય. તેમજ બાગાયતી પાકોને જતાં નુકસાનની ભીતિ પણ ના રહે.
વિવિધ ઠરાવો નક્કી કરાયાં
બારડોલીના મોતા ખાતે યોજાયેલ બેઠક ખેડૂતો સાથે જરૂરી ચર્ચા પણ કરાઈ હતી. વટામણ અને દક્ષિણ ઓલપાડથી બોઇસર સુધીની સૂચિત વીજલાઈનોથી ખેડૂતોને થનાર નુકસાન, વળતર અને અન્ય અસરો અંગે વિચારણા કરવામાં આવી હતી. ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં છે. જે રીતે બુલેટ ટ્રેઈન અને એક્સપ્રેસ હાઈ વેમાં જમીન સંપાદન કરેલ ખેડૂતોને જે વળતર અપાયું એ જ રીતે આ ખેડૂતો ને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.