
IPL 2025ની 66મી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. પંજાબ કિંગ્સ આ મેચ જીતીને ટોપ-2 માં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માંગશે. બીજી તરફ પ્લેઓફની રેસમાંથી બહાર થયેલી દિલ્હીની ટીમ પોતાના સન્માન માટે લડશે. PBKSના ખેલાડી માટે આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાની છે. આ ખેલાડી પાસે એક ખાસ યાદીમાં મહાન સચિન તેંડુલકરની બરાબરી કરવાની તક છે.
બધાની નજર 23 વર્ષીય બેટ્સમેન પર
આ મેચમાં બધાની નજર PBKSના 23 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન પ્રિયાંશ આર્ય પર છે. આજે પ્રિયાંશ પાસે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. તેને T20 ક્રિકેટમાં 1000 રન પૂરા કરવા માટે માત્ર 71 રનની જરૂર છે. જો તે આમ કરશે, તો તે 31 મેચમાં આ આંકડા સુધી પહોંચીને સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરશે. સચિને પણ 31 T20 મેચમાં 1000 રન બનાવ્યા હતા. જો પ્રિયાંશ 31 મેચમાં 1000 રન પૂરા કરે છે, તો આ સિદ્ધિ તેને 1000 રન બનાવનાર સંયુક્ત રીતે બીજો સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બનાવશે. ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાનો રેકોર્ડ દેવદત્ત પડિક્કલના નામે છે, જેણે ફક્ત 25 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
પ્રિયાંશે અત્યાર સુધીમાં 30 T20 મેચોમાં 929 રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 32.03 અને સ્ટ્રાઇક રેટ 174.95 રહી છે. દિલ્હી પ્રીમિયર લીગ 2024માં એક ઓવરમાં 6 છગ્ગા ફટકારીને હેડલાઇન્સમાં આવેલા આ બેટ્સમેને IPL 2025માં પણ પોતાની પ્રતિભા બતાવી છે. તેણે વર્તમાન સિઝનમાં 12 મેચ રમી છે અને 29.66ની એવરેજથી 356 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે CSK સામે 39 બોલમાં આ સદી ફટકારી હતી.
પંજાબની ટીમ શાનદાર ફોર્મમાં
PBKSની ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે. જેમાંથી તે 8 મેચ જીતવામાં સફળ રહી છે અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય, એક મેચ અનિર્ણિત રહી છે. તે હાલમાં 17 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. પંજાબ કિંગ્સની આ સફળ સિઝનમાં પ્રિયાંશ આર્યનો મોટો ફાળો છે. તે પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા સ્થાને છે. તેનાથી આગળ પ્રભસિમરન સિંહ અને શ્રેયસ અય્યર છે.