ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે ગંગા એક્સપ્રેસવે પર આજે શુક્રવારે વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યા હતાં. શાહજહાંપુરના જલાલાબાદમાં બનાવવામાં આવેલા હવાઈ મથક પર રાફેલ, જેગુઆર, અને સુખોઈ જેવા લડાકૂ વિમાનો ઉતારવામાં આવ્યા છે. બપોરે 12.41 વાગ્યે વાયુસેનાનું AN-32 વિમાન લેન્ડ થયુ હતું. વિમાને આશરે પાંચ મિનિટ સુધી ઉડાન ભરી હતી. ત્યારબાદ રનવે પર ઉતરાણ કરાવ્યું હતું. આશરે એક વાગ્યે આ વિમાન અહીંથી ટેકઓફ થયો હતો. રનવે પર વાયુસેનાના હેલિકોપ્ટર પણ લેન્ડ થયા હતા.
ગંગા એક્સપ્રેસવે પર હવાઈ પરિક્ષણ
ગંગા એક્સપ્રેસવે પર આશરે દોઢ કલાક સુધી લડાકૂ વિમાનોનું હવાઈ પરિક્ષણ થયું હતું. લડાકૂ વિમાનોએ હવામાં કરતબ બતાવ્યા હતાં. રાત્રે પણ આ રનવે પર લડાકૂ વિમાનો લેન્ડ થશે. દેશના ઈતિહાસમાં પહેલી વાર કોઈ એક્સપ્રેસ વે પર લડાકૂ વિમાનોનું નાઈટ લેન્ડિંગ થશે. કટરા-જલાલાબાદ હાઈવે આ લેન્ડિંગ દરમિયાન ત્રણ કલાક સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
https://twitter.com/MrSinha_/status/1918244725171339475
ગંગા એક્સપ્રેસવે રનવે અત્યંત સુરક્ષિત
વાયુસેનાના આ એર શૉનો ઉદ્દેશ યુદ્ધ તથા આપાતકાલીન સ્થિતિમાં એક્સપ્રેસવેને વૈકલ્પિક રનવે તરીકે ઉપયોગ કરવાનો છે. ગંગા એક્સપ્રેસવે દેશનો પ્રથમ રનવે છે, જ્યાં લડાકૂ વિમાન રાત-દિવસ બંને સમયે લેન્ડિંગ કરી શકશે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી રનવેની બંને બાજુએ આશરે 250 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વાયુસેનાએ રનવેને પહેલાં જ પોતાના અધિકાર ક્ષેત્રમાં લઈ લીધો હતો. દિવસ અને રાત્ર બંને સમયે લેન્ડિંગનું આયોજન કરવા પાછળનું ગણિત એર સ્ટ્રિપની નાઈટ લેન્ડિંગ ક્ષમતાઓનું પરિક્ષણ કરવાનું પણ છે.
હવામાન ખરાબ થતાં થયો વિલંબ
રન વે પર લડાકૂ વિમાનોના લેન્ડિંગ પહેલાં શાહજહાંપુરમાં વાવાઝોડા સાથે વરસાદ થતાં એર શો સ્થગિત થયો હતો. પરંતુ બાદમાં હવામાન અનુકૂળ થતાં લેન્ડિંગની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. શાહજહાંપુરમાં વાવાઝોડા સાથે મૂશળધાર વરસાદ પડ્યો હતો.
અભ્યાસમાં ભાગ લેનારા ટોચના ફાઈટર જેટ
1. રાફેલ: આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને લાંબા અંતરની મિસાઇલથી સજ્જ, આ વિમાન દરેક હવામાનમાં કામગીરી કરવા સક્ષમ.
2. SU-30 MKI: ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત, આ ટ્વીન-સીટર ફાઇટર લાંબા અંતરના પ્રહાર કરવા સક્ષમ છે અને બ્રહ્મોસ જેવી મિસાઇલો ઉડાડી શકે છે.
૩. મિરાજ-2000: આ ફ્રેન્ચ મૂળનું વિમાન હાઇ-સ્પીડ ડીપ સ્ટ્રાઇક કરવા અને પરમાણુ સક્ષમ છે.
4. મિગ-29: તે એક ફાઇટર એરક્રાફ્ટ છે જેમાં હાઇ સ્પીડ, હાઇ ફ્લાઇટ અને રડારથી બચવાની ક્ષમતા છે.
5. જેગુઆર: તે એક ચોકસાઇથી હુમલો કરતું લડાકૂ વિમાન છે જેનો ઉપયોગ જમીન પર હુમલો અને જહાજ વિરોધી મિશનમાં થાય છે.
6. C-130J સુપર હર્ક્યુલસ: આ ભારે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વિશેષ દળોની તૈનાતી, આપત્તિ રાહત અને બચાવ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
7. AN-32: ઊંચાઈવાળા વિસ્તારોમાં માલસામાન અને સૈનિકોના પરિવહન માટે યોગ્ય ટ્રાન્સપોર્ટ જેટ.
8. MI-17 V5 હેલિકોપ્ટર: શોધ અને બચાવ, તબીબી સ્થળાંતર અને સહાય કામગીરી માટે જરૂરી બહુહેતુક હેલિકોપ્ટર.
ગંગા એક્સપ્રેસ વે શાહજહાંપુર જિલ્લાના 44 ગામડાઓમાંથી પસાર થાય છે. અહીં તેની લંબાઈ લગભગ 42 કિમી છે. મોટાભાગના સ્થળોએ એક્સપ્રેસવેનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જલાલાબાદના પીરુ ગામ નજીક 3.5 કિમી લાંબો રન વે બનાવવામાં આવ્યો છે, જ્યાં વાયુસેનાના ફાઇટર જેટ ફક્ત રાત્રે જ ઉતરી શકશે.
594 કિમી લાંબો છે ગંગા એક્સપ્રેસ વે
594 કિલોમીટર લાંબો ગંગા એક્સપ્રેસ વે મેરઠથી હાપુર, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાયૂં, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ સુધી બનાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવેમ્બરમાં કામ પૂર્ણ થયા પછી, ગંગા એક્સપ્રેસ વે જનતા માટે ખુલ્લો મુકાશે.