
ગુજરાતમાં ઉનાળાની ઋતુએ માઝા મૂકી છે. ગુજરાતવાસીઓએ ભયંકર ગરમી અને તાપને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોએ ગરમીના કારણે બહારનું નિકળવાનું ટાળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ગઈ કાલો 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો રાજકોટમાં 46.2 ડિગ્રી તાપમાન. એવામાં ગુજરાતમાં વિવિધ સ્થળો પર ગરમીથી રાહત મેળવવા લોકો અવનવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
નર્મદાના આ સ્વિમિંગ પૂલનો સૌ લાભ લઈ રહ્યા છે
નર્મદા જિલ્લામાં શૈક્ષણિક સત્ર પૂરું થતા ઉનાળા વેકેશનમાં અહીંના બાળકો ગરમીમાં બાહ્ય રમતો ન રમતા સ્વિમિંગ તરફ વળ્યા છે. જેને કારણે રાજપીપળાના સ્વિમિંગ પૂલમાં મોટાથી માંડી બાળકોની ભીડ જામી રહી છે. બાળકોની સાથે વાલીઓ, મહિલાઓ પણ લાભ લઇ રહ્યા છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે સ્વિમિંગ પૂલ કાર્યરત રખાયો છે.
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા રાજપીપળા ખાતે અત્યાધુનિક અને વિશાળ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. અહીં પાણીના ક્લોરીનેસન બાબતે પણ ખુબ કાળજી રાખવામાં આવે છે. ઉનાળામાં બાળકો અને ખેલ મહાકુંભના ખેલાડીઓ દ્વારા પણ સ્વિમિંગ પૂલનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. અહીં સ્વિમિંગની તમામ સ્ટાઈલ શીખવાડવામાં પણ આવે છે.
સુરત ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને કોલ્ડ કોફી વહેંચી
હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ ગરમીનું તાપમાન ખુબ જ વધારે છે. એવામાં ભયંકર ગરમીને પગલે સુરત ટ્રાફિક વિભાગની ખાસ મુહિમ જોવા મળી હતી. ટ્રાફિક સિગ્નલ ઉપર વાહન ચાલકોને કોલ્ડ કોફી વિતરણ કરવામાં આવી હતી. રસ્તા પર વાહન ચાલકોને ઠંડક મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગરમીનું પ્રમાણ સુરત શહેરમાં 40 ડિગ્રીથી વધારે જોવા મળી રહ્યું છે.
ગઈ કાલે રાજકોટમાં 46.2 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું
રાજકોટ જિલ્લામાં તડકા અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં સૌથી વધુ રાજકોટનું તાપમાન નોંધાયું હતું. ગઈ કાલે રાજકોટમાં 46.2 ડિગ્રી સૌથી વધુ તાપમાન રહ્યું હતું. સિઝનનું રેકોર્ડ બ્રેક તાપમાન ગઈ કાલે રહ્યું હતું. આજે પણ તાપમાન 45 ડિગ્રી રહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 28 દિવસથી તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. વધુ તાપમાનને પગલે રાજકોટમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. લોકો તડકાથી બચવા ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લોકો બહાર નીકળે ત્યારે ટોપી, ચશ્મા અને મોઢે રૂમાલ બાંધીને નીકળતા જોવા મળ્યા હતા. લોકોએ કહ્યું આજના સમયમાં વૃક્ષોનું જતન કરવું જરૂરી છે. દિવસેને દિવસે વૃક્ષો કપાય છે જેથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.
સુરતના લોકો Snow Parkનો સહારો લઈ રહ્યા છે
રાજ્યમાં પડતી કાળઝાળ ગરમીથી બચવા સુરતના લોકો Snow Parkનો સહારો લઈ રહ્યા છે. વેકેશનનો સમય હોવાથી સુરતના સ્નો પાર્કમાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકો દૂર દૂરથી Snow Parkમાં મજા માણવા આવી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા અહીં માઇનસ ૫ ડિગ્રીમાં લોકો બરફની મજા માણવા માટે આવે છે.