
Panchmahal News: પંચમહાલ જિલ્લામાં હાલોલના મુખ્ય બજારમાં દબાણ હટાવવા નીકળેલી હાલોલ નગરપાલિકાની ટીમ અને વેપારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા હાલોલ બજારમાં પહોંચી જઈને દબાણ હટાવવાની કામગીરી હાથ ઉપર લેતા વેપારીઓ ઉશ્કેરાયા હતા. અગાઉથી કોઈ સૂચના કે નોટિસ વગર નગરપાલિકાએ દબાણો હટાવવાની તજવીજ હાથ ધરાતા વેપારીઓએ એકત્રિત થઈને ઉગ્ર વિરોધ કર્યો હતો.
નગરપાલિકાના કર્મચારીઓએ રોડની બંને તરફ તમામ વેપારીઓને દોઢ ફૂટ બાંધકામ તોડી કાઢવામાં આવશે તેમ જણાવ્યું હતું. કોઇ માપણી લીધા વગર અચાનક રોડની બંને તરફના બાંધકામને દોઢ ફૂટ તોડવાની વાત ઉપર હાલોલ નગરપાલિકાના કમર્ચારીઓ અને વેપારીઓ આમને સામને આવી ગયા હતા. દબાણ હટાવવાની કામગીરી અટકાવવા નગરપાલિકા દ્વારા જુના નકશા માંગવામાં આવ્યા હતા. જેને તાત્કાલિક આપવામાં વેપારીઓ અસમર્થ હોવાથી સરકાર વેપારીઓને ઇરાદાપૂર્વક હેરાન કરતી હોવાની ફરિયાદો જોવા મળી હતી.