
આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. આ પાંચ તત્ત્વો એટલે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ. માતાજીની આરતીમાં પણ પૃથ્વી, તેજ, આકાશ, વાયુ જેવા શબ્દો આ વાતની સાક્ષી પુરે છે. આ પાંચ તત્ત્વોમાં જળનો મહિમા જાણવા જેવો છે. ''જળ એ જ જીવન છે તેમ કહેવાયું છે. જળની જરૂરિયાત જીવને કે શરીરને શરૂથી અંત સુધી પડે છે. સામાન્ય રીતે પાણી અને જળમાં ફેર છે. પાણી ખરાબ, ગંદુ કે વાસવાળું હોઈ શકે છે જ્યારે જળ પવિત્ર તથા શુદ્ધ હોય છે. ઘણા લોકો જળના લોટા પર હાથ રાખી મંત્ર જાપ કરે છે પછી તે જળ પીવાથી આરોગ્યને ફાયદો થાય છે. આ જળ ઘરની બધી જગ્યાઓએ છાંટી પણ શકાય છે. ગંગા, જમુના સરસ્વતી, નર્મદા જેવી નદીઓનાં નીર પવિત્ર ગણાય છે. આપણે આપણા ધાર્મિક તથા સામાજિક પ્રસંગો કે કેટલાક તહેવારોમાં જળનો જુદી જુદી રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ તે અંગે થોડી મહત્ત્વની વાતો નીચે દર્શાવી છે.
જનોઈ પહેરતી કે બદલાવતી વખતે જનોઈ પર જળનો છંટકાવ કરવામાં આવે છે તથા શરીર પર પણ પવિત્ર જળ છાંટવાની પ્રથા છે. યજ્ઞ સમયે યજ્ઞની વેદી કે યજ્ઞ સામગ્રી પર પણ જળ છાંટવામાં આવે છે. મંદિરોમાં આરતી સમયે શંખમાં જળ ભરી રાખવામાં આવે છે પછી તે જળ ઉપસ્થિત ભક્તો પર છાંટવામાં આવે છે. નાગર-બ્રાહ્મણો જમતી વખતે અપોસણ મુકે છે ત્યારે થાળીની આજુબાજુ જળની ધારા કરે છે અને ત્રણ આચમની જળ ગ્રહણ પણ કરે છે. ત્રિકાળ સંધ્યા કરતી વખતે પણ ત્રણ આચમની જળ પીવામાં આવે છે.
લગ્નની વિધિમાં પણ જળનો ઉપયોગ થતો જોવા મળે છે. લગ્ન સમયે સામૈયું કે ફુલેકું થાય ત્યારે અથવા વેવાઈ માંડવે આવે ત્યારે પવિત્ર ગુલાબજળનો છંટકાવ સ્વાગત માટે કરવાની પરંપરા છે. નરસિંહ મહેતાની કસોટી સમયે તેમણે રાગ કેદારો ગાયો હતો. ત્યારે મેઘરાજાએ વરસીને તેમનું ગરમ પાણી ઠંડું કરી આપેલું અને તેમને આકરી કસોટીમાંથી બહાર કાઢયા હતા. મેઘજળ ખુબ જ શુદ્ધ તથા પવિત્ર માનવામાં આવે છે. ભગવાન કે પંચદેવની પૂજામાં જળનો અભિષેક દરેક મૂર્તિ પર કરવામાં આવે છે. પંચામૃત સ્નાન બાદ દેવને શુદ્ધોદક (શુદ્ધ જળ)થી સ્નાન કરાવવામાં આવે છે. જળઝીલણી એકાદશીએ પ્રભુની મૂર્તિને જળ વિહાર કરાવવાની પ્રથા પણ જાણીતી છે.
આ ઉપરાંત હોળી સમયે લોટામાં જળ ભરીને હોળીની પ્રદક્ષિણા કરતાં કરતાં જળ જમીન પર ધારા રૂપે વહાવવાની પરંપરા છે. ત્યાર બાદ હોળીમાં શ્રીફળ, ઘાણી, ખજુર, દાળીયા ધરાવવામાં આવે છે. શીરડીના સાંઈબાબાને વેપારી લોકોએ દીવા માટે તેલ આપવાની ના પાડી દીધેલી ત્યારે સાંઈબાબાએ દીવામાં પાણી (જળ)થી જ્યોત પ્રગટાવી હતી અને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા.
સામાજિક સંદર્ભમાં પિતૃતર્પણ કે શ્રાદ્ધ સંવત્સરીની ક્રિયાઓમાં પણ જળનો ઉપયોગ થતો જોવા મળે છે. આપણે રોજ સવારે ઉગતા સૂર્યને લોટાના જળ દ્વારા અર્ઘ્ય આપીએ છીએ. કેટલીક અન્ય વિધિઓમાં લોટામાં જળ ભરીને દુર્વા કે ફુલો દ્વારા પાણી (જળ)નો છંટકાવ કરવામાં આવે છે.
વૈષ્ણવ સંપ્રદાયમાં ઝારીજીનો ખુબ જ મહિમા છે. ભગવાન શ્રીકૃષ્ણને યમુનાજી ખુબ જ પ્રિય હતાં. આપણે ત્યાં કુંભસ્નાન, ત્રિવેણી સંગમ સ્નાન કે સાગર સ્નાનનો પણ મહિમા ખુબ જ જોવા મળે છે. ભારતમાં કાશ્મીર તથા જમ્મુ, જન્મોત્રી, ગંગોત્રીની યાત્રા મહત્ત્વની ગણાય છે. ભાઈબીજે યમુના સ્નાન કરવાનો મહિમા જાણીતો છે. કાશ્મીરને જન્નત (સ્વર્ગ) કહેવામાં આવે છે. જળ જો શુદ્ધ કે સુગંધી હોય તો તેની ઉપયોગીતા ચાર ગણી વધી જાય છે. ભાગવત સપ્તાહ કે રામકથામાં પણ બહેનો માથા પર પવિત્ર કુંભ રાખીને શોભાયાત્રામાં ભાગ લે છે. કુંભમાં જળ આસોપાલવ, આંબાના પાન સોપારી ઇત્યાદિ રાખવામાં આવે છે. મોટા યજ્ઞાોમાં પવિત્ર સ્થાનો, દરિયા, નદી, કુવાનાં જળનો વ્યાપક ઉપયોગ થતો જોવા મળે છે. આમ આપણા દરેક પ્રસંગ તથા તહેવારોમાં જળ તત્ત્વ ખુબ જ જરૂરી મનાયું છે.