
Rajkot News: ગુજરાતભરમાં મેઘરાજાએ કહેર મચાવી છે ત્યારે રાજકોટમાંથી એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રાજકોટના ઉપલેટા શહેરમાં વધુ એક મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં બે મહિલાઓને ઈજા પહોંચી હતી અને એક મહિલાનું મોત થયું હતું.
અગાઉ ત્રણ જેટલા મકાનનો કાટમાળ ધ્વસ્ત થયો હતો જે બાબતે તંત્રએ યોગ્ય પગલા ન લેતા ફરી એક વખત અકસ્માતની ઘટના બની છે. ઉપલેટા શહેરના ચોક ફળિયા વિસ્તારમાં મચ્છી માર્કેટ નજીક મકાન ધરાસાઈ થતાં બે મહિલાઓ દટાઈ હતી. કઢાયેલી બે મહિલાઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જેમાં એક મહિલાને હાજર તબીબે મૃત જાહેર કરી હતી. મૃતક મહિલાનું મૃત્યુ દટાઈ જવાના કારણે થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ઉપલેટામાં બનેલી ઘટના અંગે જાણ થતા તંત્ર દોડી આવ્યું હતું અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિકો તેમજ તંત્રના કર્મચારીઓ દ્વારા કાટમાળ હટાવી મહિલાઓને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.