
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. રોહિત શર્માને ટેસ્ટ મેચોમાં રમવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ૩૮ વર્ષીય ખેલાડી પોતાની કારકિર્દીના બીજા ભાગમાં ભારતના સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેનોમાંના એક હતા. જોકે, રોહિત શર્મા ODI ક્રિકેટમાં રહેશે. આ પહેલા રોહિત શર્મા ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
આવી હતી રોહિતની ટેસ્ટ કારકિર્દી
રોહિતે 67 ટેસ્ટમાં 40.57ની સરેરાશથી 4301 રન બનાવ્યા છે, જેમાં 12 સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે છેલ્લી શ્રેણી અને ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર શ્રેણી સિવાય કેપ્ટન તરીકે તેમનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે.
નવો કેપ્ટન કોણ બનશે?
ઇંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતને નવો ટેસ્ટ કેપ્ટન મળશે. તેના સંભવિત ઉમેદવારો જસપ્રીત બુમરાહ, લોકેશ રાહુલ, શુભમન ગિલ અને ઋષભ પંત હોઈ શકે છે. હાલમાં બુમરાહ ટેસ્ટમાં વાઈસ-કેપ્ટન હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રોહિતની ગેરહાજરીમાં, બુમરાહે ત્યાં કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી.