
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025માં પોતાના અભિયાનને ટ્રેક પર લાવવા માટે ઉત્સુક છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ અત્યાર સુધીમાં ચારમાંથી ત્રણ મેચ હારી ગઈ છે. આવી સ્થિતિમાં, IPL 2025ની 20મી મેચમાં ટીમ ઘરઆંગણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે જીતવા પર નજર રાખશે. મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર એ છે કે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ટીમમાં જોડાઈ ગયો છે અને તે બેંગલુરુ સામેની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. જો બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે તો મુંબઈની બોલિંગ વધુ મજબૂત બનશે.
રોહિત અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત
છેલ્લી 3 મેચમાં મુંબઈના બેટ્સમેનોનું પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું. અત્યાર સુધી ટીમ માટે ફક્ત સૂર્યકુમાર યાદવ અને રિયન રિકેલટન જ અડધી સદી ફટકારી શક્યા છે. ઓપનર રોહિત શર્મા બેટિંગમાં સતત નિષ્ફળ રહ્યો છે. ઘૂંટણની ઈજાને કારણે રોહિત લખનૌ સામેની છેલ્લી મેચમાં નહતો રમી શક્યો. હવે જોવાનું એ છે કે તે બેંગલુરુ સામેની મેચ માટે સંપૂર્ણપણે ફિટ થશે કે નહીં. એવા સમાચાર છે કે રોહિત શર્મા નેટમાં બેટિંગ કરશે તે પછી જ નક્કી થશે કે તેને તક આપવામાં આવશે કે નહીં. મિડલ ઓર્ડરમાં, તિલક વર્મા પણ બેટિંગમાં કઈ ખાસ નથી કરી શક્યો. તિલક વર્માએ સારી શરૂઆત કરી પણ મોટો સ્કોર ન કરી શક્યો. ટીમ આગામી મેચમાં તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખશે. આ સિઝનમાં, સૂર્યકુમાર એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે અત્યાર સુધી સૌથી વધુ પ્રભાવિત કર્યા છે.
બેંગલુરુની બેટિંગ મજબૂત છે
જો આપણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ વિશે વાત કરીએ તો તેની પાસે બેટિંગમાં ઘણા મજબૂત ખેલાડીઓ છે. છેલ્લી 3 મેચમાં 2 જીત મેળવનાર બેંગલુરુ માટે, ઓપનર ફિલ સોલ્ટ, વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદારે એક-એક અડધી સદી ફટકારી છે. જોકે, ગુજરાત સામેની છેલ્લી મેચમાં, બેંગલુરુનો ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો, ત્યારબાદ મિડલ ઓર્ડરમાં, લિયામ લિવિંગસ્ટને અડધી સદી ફટકારી હતી જ્યારે જીતેશ શર્માએ 33 રન બનાવ્યા હતા. જોકે, તેની ઈનિંગ ટીમને જીત અપાવવામાં મદદ ન કરી શકી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે બેંગલુરુના સ્ટાર બેટ્સમેન મુંબઈના બોલરોનો સામનો કેવી રીતે બેટિંગ કરે છે.
ઓસ્ટ્રેલિયાનો ટિમ ડેવિડ છેલ્લી ઓવરોમાં તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, જેની એક ઝલક છેલ્લી મેચમાં જોવા મળી હતી. બેંગલુરુની બોલિંગની જવાબદારી જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેવા બોલરોના ખભા પર છે, પરંતુ સ્પિન બોલિંગ ટીમ માટે મોટી ચિંતાનો વિષય છે. તેના સ્પિનર હજુ સુધી અસરકારક સાબિત નથી થયા. હવે બેંગલુરુના બોલરોની ખરી કસોટી મુંબઈના ગઢમાં થશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
MI: રિયન રિકેલટન (વિકેટકીપર), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, વિલ જેક્સ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), મિછેલ સેન્ટનર, જસપ્રિત બુમરાહ, વિગ્નેશ પુથુર, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર.
RCB: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.