
સુરતના પુણા પરવટ પાટિયા વિસ્તારમાંથી એક 23 વર્ષની યુવતી શિક્ષિકા દ્વારા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે વિદ્યાર્થીના પિતાએ પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. યુવતીનું નામ માનસી નાઈ હોવાનું જાણવા મળ્યું છે, જે શહેરના અનુરાગ હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કાર્યરત છે. તેણી વિદ્યાર્થીને શાળામાં અને ટ્યુશન ક્લાસમાં પણ ભણાવતી હતી. શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મજબૂત સબંધ ઉભો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પરિવાર અસમંજસમાં
વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, "શિક્ષિકા પોતાના એક મિત્રની મદદથી મારા દીકરાને સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ છે. કોઈ ખોટી નિયત નથી લાગી રહી, પરંતુ બાળકના ગુમ થવાથી પરિવાર ચિંતિત છે."ઘટનાની સાથે સંકળાયેલા સીસીટીવી ફૂટેજમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષિકા સાથે જતા નજરે પડી છે. એક દુકાનમાંથી શિક્ષિકા રોકડ રકમ ચૂકવી ખરીદી કરતી અને ત્યાર બાદ બંને ત્યાંથી જતા જોવા મળ્યા હતા.
પોલીસે તપાસ આદરી
મામલાની ગંભીરતા જોતા પુણા પોલીસે તત્કાલ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ શરૂ કર્યો છે અને વિદ્યાર્થીઓ તથા શિક્ષિકાની શોધખોળ માટે વિશેષ ટીમો બનાવી છે. પોલીસે આ કેસમાં બાળક સુરક્ષા અધિનિયમ (POCSO) અને અન્ય લાગુ કલમો હેઠળ તપાસ શરૂ કરી છે.પુણા પોલીસ મથકના અધિકારીઓએ જણાવ્યું કે, "અમે તમામ દિશાઓમાં તપાસ કરી રહ્યા છીએ. બાળક અને શિક્ષિકા બંનેના લોકેશન શોધવા માટે ટેક્નિકલ સર્વેલન્સનો સહારો લેવામાં આવી રહ્યો છે. ઝડપથી બંનેનો સંપર્ક સાધી તેમને સુરક્ષિત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે."
ટેક્નિકલી તપાસ શરૂ
અત્યાર સુધી શિક્ષિકા અથવા વિદ્યાર્થીનું કોઈ સકારાત્મક સૂત્ર મળ્યું નથી, પરંતુ પોલીસે અનુમાન લગાવ્યો છે કે તેઓ નજીકના શહેર કે વિસ્તાર તરફ જઈ શકે છે. પરિવાર અને શાળાના અન્ય સ્ટાફના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે જેથી સંપૂર્ણ ઘટનાક્રમની માહિતી મળી શકે. પુણા પોલીસ દ્વારા સમગ્ર સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને ટ્રાન્સપોર્ટ ડેટા આધારે વિશ્લેષણ કરી, બંનેને શોધી કાઢવાના પ્રયાસો ચાલે છે. આગળની કામગીરી માટે પોલીસ અને પરિવાર બંને સતત સંપર્કમાં છે.