
ભારતીય ટીમનો યુવા બેટ્સમેન સાઈ સુદર્શન ડેબ્યુ મેચમાં ફેન્સ પ્રભાવિત ન કરી શક્યો. તે ખાતું પણ ન ખોલી શક્યો અને ડક આઉટ થઈ ગયો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લીડ્સમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
ડેબ્યુ ટેસ્ટમાં સુદર્શન ફ્લોપ રહ્યો
21 વર્ષીય સાઈ સુદર્શન ટેસ્ટ ડેબ્યુ કરનાર 317મો ખેલાડી છે. શુક્રવારે, તે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો. જોકે, તે કઈ ખાસ ન કરી શક્યો. તેણે કુલ ચાર બોલ રમ્યા, પરંતુ ખાતું પણ ન ખોલી શક્યો. લંચ પહેલા વિકેટકીપર જેમી સ્મિથના હાથે બેન સ્ટોક્સના બોલ પર કેચ આઉટ થઈ ગયો. આ સાથે, તમિલનાડુનો આ બેટ્સમેન રવિચંદ્રન અશ્વિન અને રિદ્ધિમાન સાહાના અનિચ્છનીય ક્લબમાં જોડાયો હતો.
સુદર્શન આ અનિચ્છનીય ક્લબમાં જોડાયો
સુદર્શન ટેસ્ટની પહેલી ઈનિંગમાં શૂન્ય પર આઉટ થનાર 29મો ભારતીય બેટ્સમેન બન્યો. છેલ્લી વખત ઉમેશ યાદવ 2011માં ટેસ્ટની પહેલી ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો.
ટેસ્ટની પહેલી ઈનિંગમાં શૂન્ય પર આઉટ થનાર ભારતીય બેટ્સમેન
બેટ્સમેન | વર્ષ |
સી.ટી. સરવટે | 1946 |
જે.કે. ઈરાની | 1947 |
એસ.એ. બેનર્જી | 1948 |
ગુલામ અહેમદ | 1948 |
એસ.પી. ગુપ્તે | 1951 |
જી.એસ. રામચંદ | 1952 |
જે.એમ. પટેલ | 1955 |
એમ.એસ. હાર્દિકર | 1958 |
વી.એમ. મુધૈયા | 1959 |
એમ.એમ. સૂદ | 1960 |
બી.એસ. ચંદ્રશેખર | 1964 |
યુ.એન. કુલકર્ણી | 1967 |
ઈ.ડી. સોલકર | 1969 |
જી.આર. વિશ્વનાથ | 1969 |
ડી.ડી. પરસાણા | 1979 |
કે. શ્રીકાંત | 1981 |
મનિંદર સિંહ | 1982 |
આર.જી.એમ. પટેલ | 1988 |
વી. રાઝદાન | 1989 |
એ. કુરુવિલા | 1997 |
આર. સિંહ | 1999 |
ડી.જે. ગાંધી | 1999 |
આર. વિજય ભારદ્વાજ | 1999 |
એ. રાત્રા | 2002 |
પાર્થિવ પટેલ | 2002 |
રિદ્ધિમાન સાહા | 2010 |
રવિચંદ્રન અશ્વિન | 2011 |
ઉમેશ યાદવ | 2011 |
સાઈ સુદર્શન | 2025 |
સુદર્શન ગાંગુલી-દ્રવિડ અને કોહલીની ક્લબમાં પણ સામેલ થયો
સુદર્શનનું ડેબ્યુ ખાસ દિવસે થયું હતું. 20 જૂન ભારતીય ક્રિકેટ માટે એક મોટો દિવસ છે. આ દિવસે ત્રણ ભારતીય દિગ્ગજોએ અલગ અલગ વર્ષોમાં પોતાની ટેસ્ટ કારકિર્દી શરૂ કરી હતી. 20 જૂનના રોજ, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હવે આ યાદીમાં સુદર્શનનું નામ પણ ઉમેરાયું છે. જોકે, હવે આ ત્રણ ખેલાડીઓ ટેસ્ટનો ભાગ નથી.
ગાંગુલી અને દ્રવિડે 20 જૂન 1996ના રોજ ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. આ મેચમાં ગાંગુલીએ સદી ફટકારી હતી, જ્યારે દ્રવિડે પણ 95 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 20 જૂન 2011ના રોજ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું, પહેલી મેચમાં નિષ્ફળ રહ્યા બાદ, તેણે આ ફોર્મેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. સુદર્શન, ગાંગુલી, દ્રવિડ અને કોહલી ઉપરાંત, આ તારીખે બે વધુ ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જોકે, તેમની કારકિર્દી સારી નહતી રહી. આ ખેલાડીઓ અભિનવ મુકુંદ અને પ્રવીણ કુમાર છે. સુદર્શનને ભારતનો નવો સ્ટાર માનવામાં આવી રહ્યા છે. IPL અને ઘરેલું ક્રિકેટમાં તેની બેટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.