Home / GSTV શતરંગ : man's personality is like a tree

GSTV શતરંગ/ માણસનું વ્યક્તિત્ત્વ વૃક્ષ જેવું છે

GSTV શતરંગ/  માણસનું વ્યક્તિત્ત્વ વૃક્ષ જેવું છે

- અન્તર્યાત્રા

- માણસનું વ્યક્તિત્વ એવું વાયડું છે કે ઘણીવાર પોતાની વૃત્તિ કે વલણ મુજબ તર્ક ગોઠવે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સતત મહાભયંકર ગેરસમજ થતી જોવા મળે તો એ 'બુદ્ધિ' શબ્દ બાબત ! અત્યંત વિરાટ બહુમતી બુદ્ધિ ને માણસનાં આંખ, કાન, નાક પગ જેવું સ્વતંત્ર અંગ ગણે છે. વાત ત્યાં પૂરી થતી નથી. મારા વહાલા બુધ્ધિને શાલ કે દુપટ્ટા જેમ ઊતારી પહેરી શકાય કે નળની જેમ ખોલ-બંધ કરી શકાય એવી જણસ સમજે છે. બહુ ડાહ્યા દેખાતા લલવાલલવીઓને આમ બોલતાં સાંભળ્યા છે : 'ફલાણો હૃદયને બદલે બુધ્ધિથી જ પગલાં ભરે છે !'

એવો જ એક મહાબેવકૂફ શબ્દપ્રયોગ છે : 'બુધ્ધિવાદી' કે 'બુધ્ધિજીવી' કે 'બૌદ્ધિક' !

ભલા માણસ ! આખો ગોટાળો માણસનાં વ્યક્તિત્ત્વની ગેરસમજમાંથી પેદા થાય છે. તમે એકાદ પશુઓના ડોક્ટરને મળજો. માણસની સારવાર અને પશુઓની સારવાર ખૂબ જુદી બાબતો છે એ સમજાશે. કારણ કે સારવાર પહેલાં દરદીનું વ્યક્તિત્ત્વ સમજવું પડે. પશુનું અને માણસનું દૈહિક વ્યક્તિત્વ જુદાં છે. પશુની સારવાર કે નિદાન કરતી વખતે પશુની શરીરરચના સમજવી પડે.

'બુધ્ધિ' શબ્દની સગવડિયા ગેરસમજને કારણે બહુઘણા લોકો ફૂલોને કાનસથી તપાસવાની વાયડાઈ કરે છે !

માણસ બુધ્ધિ, ભાવના, આવેગ કે વૃત્તિઓને કોઈ બોક્ષનાં જુદાં જુદાં ખાનાં જેમ ઠીક લાગે એમ બંધ-ઉઘાડ ન કરી શકે. માણસની કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ પ્રવૃત્તિ, એનાં વ્યક્તિત્ત્વના આઈસબર્ગની અણી માત્ર છે એનાં જન્મજન્માન્તરનાં કારણો, એનો ઉછેર એની શારિરીક લાક્ષણિકતાઓથી માંડીને એના પૂર્વગ્રહો એની આંતરિક સમજની સરહદો જેવી અગણિત બાબતો એની કોઈપણ અભિવ્યક્તિ પાછળ કામ કરે છે. એટલે જ ગીતાજી જ્યારે 'કર્મ'ની વાત કરે છે ત્યારે માત્ર માણસની બાહ્ય પ્રવૃત્તિની નહીં, એની વૃત્તિની પણ ડંકાની ચોટ સાથે વાત કરે છે. આજ કારણસર ગીતાને સમજનાર જણ ઢાંચા કે ચોકઠાંનો ગુલામ થતો બચી ગયો છે. શું ખાવું, શું બોલવું, શું ન બોલવું જેવી બાબતોનાં સૂચિપત્રો ને બદલે બુનિયાદી વૃત્તિ કે ભાવ પર ભાર મૂકે છે.

વ્યક્તિત્ત્વ તો એક સુગંધ છે. તમે ફૂલનું લેબોરેટરી વિશ્લેષણ કરી શકો એ રીતે સુગંધનું કરી શકો ? વ્યક્તિની પ્રવૃત્તિ પાછળ એની વૃત્તિ હોય છે અને વૃત્તિનું ચોકઠાબંધ વિશ્લેષણ કે ખોખાં ગોઠવીને 'બુધ્ધિ', 'ભાવના', 'પૂર્વગ્રહ' એવા ટુકડા કરીને સમજાવી ન શકો.

આપણા અગ્રણી વૈજ્ઞાાનિક ડૉ. રાજા રામન્ના સિતાર વગાડે કે ધ્યાન કરે, માજી રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ હિન્દુ સંત પ્રમુખસ્વામીને વંદન કરે કે ગીતાનો સ્વાધ્યાય કરે, પોતાના ભાણેજ હૃદયનાં મૃત્યુથી વિચલિત થઇને રામકૃષ્ણદેવ જેવી વ્યક્તિ છાતીફાટ રડે, આ બધી ઘટનાઓને તમે માત્ર બુદ્ધિ કે માત્ર ભાવના જેવા ટુકડાઓથી વિભાજિત ન કરી શકો.

માણસનું વ્યક્તિત્વ એવું વાયડું છે કે ઘણીવાર પોતાની વૃત્તિ કે વલણ મુજબ તર્ક ગોઠવે. બુધ્ધિને તાળું ન મારી શકો ને એને અનુકૂળતા મુજબ વાપરી શકો એ પણ શક્ય નથી.

હા. અહીં ચાવીરૂપ શબ્દ છે : 'રૂપાન્તર'. એક બુધ્ધિશાળી, મા પોતાનું સંતાન વિદેશથી આવે છે ત્યારે ઉજાગરો કરે, એને ફ્લાઇટ ના સમયની ખબર હોવા છતાંય બેચેન થાય તો એને 'મૂર્ખ' કે 'બુધ્ધિવિહોણી' કહેશો : હા... એની બુધ્ધિનું રૂપાન્તર થઇ ગયું છે.

એક વાર બુધ્ધિનું માણસનાં વ્યક્તિત્ત્વમાં સ્થાન અને માણસનાં વ્યક્તિત્વનાં અનેક તત્ત્વોનો મિશ્ર પ્રવાહ સમજાય પછી તમે બુધ્ધિને આંખ, કાન, નાક, જેવું અલગ અંગ કે 'ડિસ્પોઝેબલ' ઉતાર-ચઢાવ, ખોલ-બંધ કરી શકાય એવું તત્ત્વ નહીં સમજો. પછી 'બૌધ્ધિક', 'બુદ્ધિજીવી' જેવા ખોખલા શબ્દો નહીં વાપરો.

- ડો. સર્વેશ પ્ર. વોરા

Related News

Icon