Home / GSTV શતરંગ / Jay Vasavada : Readinglist 2025: A treasure trove of 24 books to read this holiday

GSTV શતરંગ / રીડિંગલિસ્ટ 2025 : આ રજામાં વાંચવા જેવા 24 પુસ્તકોનો ખજાનો

GSTV શતરંગ / રીડિંગલિસ્ટ 2025 : આ રજામાં વાંચવા જેવા 24 પુસ્તકોનો ખજાનો

- અનાવૃત

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- મૃત્યુ પછી કોઈનું ચિંતન થતું નથી. તે મૃત્યુ હંમેશ માટે ચિંતન જ નહિ, ચિંતાનો વિષય રહ્યો છે માણસ માટે. એક અજ્ઞાાત ભય એની દસ્તકનો લટકતો હોય ત્યારે ભાષા ને વિચારના ઉત્તમ સર્જકો આયુષ્યના અસ્તાચળે મૃત્યુને કેવી રીતે જુએ છે?

યુદ્ધના વાદળો ને કાન ફિલ્મ ફેસ્ટિવલ સંદર્ભે યુરોપની એક્સક્લુઝિવ સફરને લીધે વેકેશન આર્ટિકલ્સની સીરિઝ થોડી મોડી પડી પણ મોળી તો નહિ જ પડે. હજુ રજાઓ ચાલુ જ છે તો કરીએ શુભારંભ શબરીની જેમ ચાખેલા પુસ્તકોથી.

(૧) શબ્દના સગાં : ગુજરાતી ભાષાના એક જ્વલંત સિતારા સમા સાહિત્યકાર રજનીકુમાર પંડયાનો તાજેતરમાં દેહવિલય થયો. વાતની માંડણી કરવામાં અને વાર્તાની જેમ સત્ય ઘટનાત્મક ચરિત્ર રજૂ કરવામાં એમનો જોટો ન જડે. દસ્તાવેજી ચોક્સાઈમાં તો અદાલતને ભૂ પાઈ દે એવા ચીવટવાળા. એમનું બીમારી પહેલાનું છેલ્લું મોટું કામ તે આ પુસ્તક. સોશ્યલ મીડિયા પર વિવિધ સાહિત્યકારો સાથેના પર્સનલ કોમ્યુનિકેશનનો ખજાનો શેર કરે ત્યારે થાય કે આનો સંગ્રહ થવો જોઈએ. ઘણું એમનું બાકી રહી ગયું હશે,પણ ૩૮ જેટલા ગુજરાતી શબ્દ મહારથીઓના અંગત આલેખો જરૂરી તસવીરો સહિત આમાં આવ્યા,એનો આનંદ. ગુજરાતી સાહિત્યના શોખીન માટે મસ્ટ રીડ બૂક. માણસને કેવી રીતે વાચક સામે ખોલવો એની પણ ચાવી જડે. તારક મહેતાથી મકરંદ દવે, અમૃત ઘાયલથી હરકિશન મહેતા, જીવરામ જોશીથી રમેશ પારેખ, વિનોદ ભટ્ટથી સરોજ પાઠક, ચિનુ મોદીથી ચુનિલાલ મડિયા જેવા ૩૮ સમર્થો પર લેખો સાથે એમણે લખેલું કે આમાં હવે મોહમ્મદ માંકડ સિવાય કોઈ હયાત નથી. આજે તો એ પણ ગયા અને રજનીકુમાર પણ. રહ ગઈ એ નિશાનિયા !

(૨) ધ ગુજરાતીઝ : 'પોટ્રેટ ઓફ એ કોમ્યુનિટી'ની ટેગલાઇન સાથે આ દમદાર ગ્રંથ કેવા વર્ષોના અભ્યાસપૂર્ણ તપ પછી તૈયાર થયો, એની કેટલીક સફર ને સફરિંગના સાક્ષી થવાયું. ટાઈટલ પર જ હવે ન્યુઝમાં રહેલા શશી થરૂરના પ્રશસ્તિશબ્દો છે. લેખકે સારું છે ગ્લોબલ ગુજરાતીઓની ઓળખ અંગ્રેજીમાં આપી. લેખક પોતે પાછા સાક્ષરભૂમિ નડિયાદના. ત્યાંના કુલિનચંદ્ર યાજ્ઞિક જેવા સારસ્વતમહર્ષિની ધારામાંથી આવનાર અને ઉત્તર પ્રવાહી અંગ્રેજી લખનાર સબિલ ત્રિપાઠી. એમના લિબરલ વ્યૂઝને લીધે ટપોરીટ્રોલિયાઓ એમની પાછળ ભસ્યા કરે, પણ કામ આવા ધીંગા સર્જકને યાદ રાખે છે, ગુમનામ ટ્રોલર જંકીમંકીઝને નહિ. સબિલભાઈ ખુદ પરદેશ રહેતા પણ ગુજરાતીને ભૂલી ન શકતા પ્રબુદ્ધજન છે. એટલે એમની આંખે વિશ્વની એક બળૂકી ને જગતભરમાં ફેલાઈને છાપ છોડતી પ્રજાનો સાંસ્કૃતિક દસ્તાવેજ સમજવા જેવો.

(૩) ટ્રુથ : એ બ્રીફ હિસ્ટરી ઓફ ટોટલ બુલશિટ : ટોમ ફિલિપ્સની રસાળ રમૂઝ કલમે લખાયેલા આ ઈતિહાસદર્શન હોવા છતાં ભારેખમ ન બનેલા પુસ્તકને વાંચો એટલે ખબર પડે કે જૂઠનો જન્મ માનવજાત જેટલો પુરાણો છે ! ફેક ન્યુઝ આજકાલના નથી. અવનવી રીતે સત્યના નામે માણસ ઉલ્લુ બનતો અને બનાવતો રહ્યો છે. ખાલી આજે અસત્યને ફેલાવી દેતા પ્રસારમાધ્યમો વધ્યા છે, બસ સડસડાટ વંચાઈ જાય એવી ફેક્ટફાઈલ ધરાવતી કિતાબ.

(૪) મૈં વિગન ક્યોં હૂં : આ પુસ્તક બહાર પડયું ત્યારે ડાબેરી ડાબલાં પહેરેલા ઘણા હિન્દી સાહિત્યના સિપાઈઓમાં કાળો કેર વર્તાવતો કકળાટ મચી ગયેલો. પણ હિન્દી ભાષાના બાળિત્ય પર ગજબનાક પક્કડ ધરાવતા અભ્યાસુ લેખકે પોતાની ઘણી વાર અતિરેકમાં પલટાઈ જતી (જેમ કે, ફિલ્મ જોવી પર્સનલ ઘટના છે, થિએટરમાં પબ્લિક સાથે ન જોવાય !) સંવેદનાઓને બદલે અહીં તર્કની તલવાર ચલાવી છે, તથ્યોની સાથે એટલે વાંચવા જેવું બન્યું છે. શાકાહારનાં 'ફાયદા' ને બદલે એની અનિવાર્ય 'જરૂરિયાત' પર વેવલી ધાર્મિકતા સિવાય ભાર મુકતું વાચન છે એમાં ! વીગન કોન્સેપ્ટ યા,દૂધ,છાશ ને માવાની મીઠાઈઓથી રસબસતા ભારત માટે નથી, કારણ કે અહીં પશુપાલનની જુદી સાંસ્કૃતિક ધારા છે. પણ દૂધ સાથેના ગ્રીન વેજ બનવા માટે અગત્યનું ખરું!

(૫) રૂમી : આ એક પુસ્તક માટે એના લેખક અને મરમી ચિંતકઋષિ સુભાષ ભટ્ટે પુરા ૧૫ વર્ષનું તપ કર્યું. આજના હાર્ડલાઇનર કટ્ટરવાદી એર્દોઆનની ચંગૂલમાં સપડાયેલા તૂર્કીનો મિજાજ તો આતાતુર્ક કમાલ પાશાનો રહ્યો છે. જેમાં સુફીની એક અદ્ભુત જ્યોત નામે જલાલુદ્દીન રૂમીની પેદા થઈ. ઈશ્કની ગુલાબી વાતોથી એમણે અસ્તિત્વના ગર્ભમાં રહેલા અંધકારને ભેદીને ચૈતન્યનો ઉજાસ બહાર કાઢ્યો. રૂમી તો એક વાહન છે,મુસાફરી આ પુસ્તકમાં આપણા જીન્સમાં રહેલી ચૈતન્યધારાની છે. જ્ઞાાનની સાથે ડહાપણમાં વૃદ્ધિ કરે એવો જીવનસંવેદન ગ્રંથ.

(૬) બી વોટર, માય ફ્રેન્ડ : કેવું મસ્ત ટાઇટલ. વિશ્વભરમાં એકલપંડે કરાટેનો ક્રેઝ ઉભો કરનાર એકમેવ બુ્રસલીની દીકરી શેમન લી એ પિતા પર આ પુસ્તક લખ્યું છે. પણ એ બુ્રસ લી ની જીવનગાથા નથી. એ છે, બુ્રસ લી માથી મળતા સત્યસંદેશની છણાવટ. ટિપિકલ મોટીવલેશનલ લૂક કરતાં ક્યાંક વધુ જિંદગીમાં આગળ વધીને સફળ થવાના પાઠ જણાવી દે એવું યુવાવયે તો અચૂક વાંચવા જેવું.

(૭) એક વધુ પ્રક્ષેપાસ્ત્ર : આજકાલ એટોમિક એનર્જીને મિસાઈલને એ બધું બહુ ગાજ્યું. ન્યુઝ ચેનલો કે હાઈ સ્પીડ ડેટા ફેલાવતું ઇન્ટરનેટ નહોતું ત્યારે મસ્ત થ્રીલર લખતાં ગૌતમ શર્માએ એ આ જ પ્લોટ પર એક એમની કાતિલાના સીબીઆઈ સીરીઝની નવલકથા લખેલી. ગુજરાતી ફિલ્મમેકરોએ સુષ્ઠુ સુષ્ઠુ સબ્જેક્ટ છોડવા હોય તો આવી થ્રીલર્સ પર હાથ અજમાવવો જોઈએ. થોડી જૂની લાગે પણ પ્લોટ કસાયેલો.

(૮) ઇન્ટીમેટ રિલેશન્સ : થોડા સમય પહેલા સુધીર કક્કડ વિદાય લઈ ગયા. સેક્સ બાબતે ભારતમાં એક બોલકો આધુનિક અવાજ ખામોશ થઈ ગયો. એમની બધી ચળવળ સાથે સંમત ન હો તો પણ એમનો સ્ટડી સ્કોલર એંગલથી વ્યાપેલો હોય. આ પુસ્તકમાં ઇન્ડિયન સેક્સ્યુઆલિટી પરના જ આર્ટિકલ્સ છે.

(૯) એકમેવ ધીરૂભાઈ અંબાણી : સામાન્ય માણસ ધારે તો અબજપતિ બને એ સપનાનું સાકાર સ્વરૂપ એટલે સંબંધોનો આંબો ઉગાડનાર ધીરૂભાઈ અંબાણી. મુકેશ અંબાણી પરિવાર આખું વર્ષ ન્યુઝમેકર્સ લિસ્ટમાં રહ્યો, ત્યારે ધીરૂભાઈની પ્રેરણાગાથા ગુજરાતીઓએ તો ખાસ જાણવી સમજવી જોઈએ. પણ કોઈ લેખક લખે એને બદલે વર્ષો સુધી એમના 'રાઈટ હેન્ડ' ની માફક ભરોસાપાત્ર સાથી બનીને કામ કર્યું હોય ને ખુદ સાહિત્યના અચ્છા ભાવક, સંગ્રાહક, સર્જક હોય એવા આપણા જામનગરની પરિમલભાઈ નથવાણી લખે એમાં ફરક તો હોય ને ! બસ, એટલે અંગત સ્મરણો, ક્વૉટ્સ, ઓબ્ઝર્વેશનથી છલોછલ આ કિતાબ વાંચવી રહી !

(૧૦) દાસ્તાને પાકિસ્તાન : નક્ટા નાપાકિસ્તાનને તો સમજદાર ભારતીય મુસ્લિમ નાગરિક પણ ભાંડે છે. સરાજાહેર. પણ ભાગલા પછી આપણે ઇતિહાસ માંડ રામચંદ્ર ગુહા જેવા એકલદોકલ સંશોધકોએ લખ્યો છે, ત્યાં પાકિસ્તાનની કોણ પરવા ય કરે. પણ આ વેરના વાવેતર ક્યાં,ક્યારે કેવી રીતે થયા તે વધ્યા ૧૯૪૭ પછી પણ એની સરળ ભાષામાં તવારીખનું જનરલ નોલેજ જોઈએ તો વ્યવસાયે ડૉક્ટર એવા પ્રવીણ ઝા એ નોર્વે બેઠાં બેઠાં આ નાનકડી કિતાબ હિન્દીમાં લખી છે. થોકાડ બેઝિક રેફરન્સી માટે કામ આવે આ નક્ટા નડતર જેવા માથે પડેલા પાડોશીના !

(૧૧) ગોડ્સ, ગન્સ એન્ડ મિશનરીઝ : સત્તરમી સદીના ભારતમાં ઘણું બનતું હતું. મધ્ય ઉત્તર ભારતની લાંબી ઇસ્લામિક ગુલામી સામે મરાઠાઓ, દક્ષિણની દ્રવિડ સંસ્કૃતિ, અંગ્રેજો સાથે યુરોપના અન્ય દેશોનું વેપાર માટે આગમન ને કુરિવાજોની નાગચૂડ સામે હિન્દુ ધર્મના જ સમજુ સંતો કે સમ્રાટોની અહાલેક એ વખતે ખ્રિસ્તી મિશનરીઓની ભારતમાં એન્ટ્રી કેવી રીતે થઈ. પ્રચાર પ્રસાર કેવો થયો. એમાંથી આપણે શું મેળવ્યું, શું ગુમાવ્યું, કેવી અસર આપણા પંથોએ ઉપાડી (આજના જાણીતા સંપ્રદાયોના ઢાંચા પર મિશનરી મોડલની સીધી કોપી જેવી અસર છે !) ને કેવી રીતે આધુનિકતાના સંચારે સર્વસમાવેશક હિન્દુ ધર્મના નવા અધ્યાય ખોલ્યા? આવું ઘણુંઘણું મનુ એસ. પિલ્લાઈની આ વજનદાર છતાં શૈલીમાં હળવીફૂલ કિતાબમાં જડશે !

(૧૨) ઇસ્માલિક ગર્ભસંસ્કાર : નામ વાંચીને ચોંકી જવા જેવું લાગે તો લેખક એક હિન્દુ છે, વિરલ વૈષ્ણવ! જો કે એમણે કુરાનની માનવતાવાદી પોઝિટિવ સ્પિરિટની આયાતોના સંદર્ભ લઇ એક સારા, ભલાઈ કરવાવાળા, નેકી પર ચાલવાવાળા ને બૂરાઈથી દૂર રહીને આસ્થાવાન ઇમાનદાર સંતાનના ઘડતની વાત લખી છે. આમ તો ગર્ભસંસ્કારનો કોન્સેપ્ટ જ સંદિગ્ધ છે. સ્ટીવ જોબ્સ તો અનૌરસ સંતાન હતો, લવ ચાઈલ્ડ છતાં સુુપ્રિમ ટેલેન્ટેડ નીવડયો. એ ચર્ચા જુદી છે. પણ જનરલ નોલેજની અમુક શબ્દો અને ફન્ડામેન્ટલ્સની માહિતી સારી મળે.

(૧૩) વેદો મેં પર્યાવરણ : ડો. રજની માથુર નામના વિદ્વાનનું આ હિન્દી પુસ્તક મૂળભૂત રીતે પ્રકૃતિની પૂજા કરતા અને એની વચ્ચે રહેતા ઋષિઓનું દર્શનશાસ્ત્ર આપણી સામે ખોલે છે. ઇકા ફ્રેન્ડલી એન્વાર્નમેન્ટલ અવેરનેસનો વિચાર દુનિયામાં આજે ગાજે છે, ત્યારે ભારતમાં સચરાચર સાથે સમતાવાન સાત્વિક એકત્વનો ખ્યાલ કેટલો સનાતન છે, એ સમજવું હોય તો આ મોંઘુ એકેડેમિક પુસ્તક વાંચવું જોઇએ.

(૧૪) અમેરિકા અમેરિકા : ટ્રમ્પ સાહેબના રોજીંદા ફિતૂરી તરંગી મિજાજને લીધે અમેરિકા સસ્પેન્સ ફિલ્મ જેવું બની ગયું છે,  ત્યારે ત્યાં વર્ષો સુધી ઉપર હોદ્દા પર રહેલા ને છતાં પોતાનું ગુજરાતીપણું અખંડ જાળવી શકેલા નટવર ગાંધીનો આ સોનેટ સંગ્રહ કલ્ચરલ કોનોટેશન આપેછે. શબ્દો અઘરા નથી. સોનેટ જેવા કાવ્ય પ્રકારનાં કૌશલ યાજ્ઞિાક જેવા જૂજ યુવાઓ સર્જન કરે છે ત્યારે સાંપ્રત (કોન્ટેમ્પરી) ટોપિક પરના સોનેટ વૈચારિક રીતે પણ ઘણું શીખવીને બંધ બારીઓ દિમાગની ખોલી જાય છે. લેઆઉટ પણ સરસ રૂપકડાં.

(૧૫) વોર ઓફ ધ વર્લ્ડ વ્યૂઝ: ઇન્ટરેસ્ટિંગ બૂક. આમ તો ગમે તે ઓટલે બેઠા ધર્મ અને વિજ્ઞાાનના વિષય પર ઠોકાઠોક કરે છે, જેમાં ઘણી ધુપ્પલ ધાપબાજી હોય છે. પણ સાયન્સ ને સ્પિરિચ્યુઆલિટી ક્યાં મળે છે, ને ક્યાં એકમત નથી, એને વિદ્વાન ભાષ્ય જેવી આ બૂક ડો. દીપક ચોપરા ને  લિઓનાર્ડ મ્બોડીનોઉએ લખી છે. વાંચતા વાંચતા વિચારવા મજબૂર કરે એ મંથન બહુ મજાનું હોય. આ એવું છે.

(૧૬) ક્રિકેટ ક્લાસિક્સ: ક્રિકેટની આઈપીએલ મોસમ છે. રોહિત ને વિરાટની ટેસ્ટની નિવૃત્તિની વાતો ઓપરેશન સિંદૂરને લીધે સાઈડમાં ગઇ પણ કેટલાય ખેલાડીઓની મસ્ત વાતો હોય છે, મેદાન બહારની પણ. પોતે ક્રિકેટર ને સૌરાષ્ટ્રના સિલેક્ટર રહી ચૂકેલા પ્રકાશ ભટ્ટે ફોર એ ચેન્જ અંગ્રેજીને બદલે ગુજરાતીમાં આ પુસ્તક લખ્યું છે. હળવું ને સરળ ભાષામાં સડસડાટ વાંચનનો સ્કોર વધારે એવું.

(૧૭) ભોંયરાના ભોમિયા : એક સમય હતો બચપણનો કે ઝગમગ કે બુલબુલના સમર્થ કલમે બાળકિશોર (એમ જ લખાતું) - સાહસકથાઓ વાંચવા મળતી. પોતીકાં વાતાવરણને પાત્રો સાથે અંગ્રેજીની જેમ ઘડતર કરતી. હવે એ યુગ ઓસરતો જાય છે, ત્યારે નવી પેઢીની કેટલીક સંગાથી કલમોએ એને સજીવન કરવા બાથ ભીડી છે. હર્ષ મેસવાણિયાની આ પ્યોર વેકેશન બૂક પત્રકાર તરીકે એમના અભ્યાસને ગોરખનાથની ગુફામાં સાકાર કર્યો છે, પણ ડોક્યુમેન્ટરીને બદલે થ્રિલને સસ્પેન્સ ઉભો કરતી રોમાંચકથા ઘડી છે.

(૧૮) ચૂંચૂંનગરમાં માઉસ: કિરીટ ગોસ્વામીની આ રીતસર ખિસ્સામાં રહી જાય એવી ટચૂકડી બૂક નાનકડાં ભૂલકાંઓ માટે છે. એમના શિશુમાનસના કુતૂહલ અને ઘટેલા એટેન્શન સ્પાનને ધ્યાનમાં રાખીને ગૂંથેલી છે. વળી એમાં જાપાનીઝ એનિમેશનની જેમ એક મેસેજ પણ છે. મૂળ વાત એ છે કે ટાઈટલની જેમ વાર્તારસ રોચક છે.

(૧૯) ધ મોલેક્યુલ ઓફ મોર : ડૉ. ડેનિયલ લિબરમેને માઈકલ લોંગ સાથે મળીને લખેલી આ ડોપામાઈન સાયન્સને સમજાવતી બૂક સમજો તો આપમા આનંદને અને અપરાધોને બેઉને બખૂબી સમજી શકો. લવ, સેક્સ, ક્રિએટિવીટી બધાની પાછળ છે પ્લેઝર હોર્મોન ડોપાઈમાન - જે યે દિલ માંગે મોરના સિગ્નલ્સ રણકાવે છે. બહુ સુંદર રીતે એ વિજ્ઞાાન સમજી લો તો એડિક્શનને સરખું મેનેજ કરવા માટે રેડી થશો.

(૨૦) રિવર ડાઈઝ ઓફ થર્સ્ટ : ગાઝા હજુ રોજ સમાચારમાં ચમકે છે, ને દરેક યુદ્ધમાં બાળકોની ચીસો ધડાકામાં દબાઈ જાય છે, ત્યારે એક્ઝાઈલ પોએટ તરીકે વિશ્વવિખ્યાત થયેલા પેલેસ્ટાઈનના કવિ મોહમદ દરવેશ (અંગ્રેજી મુજબ ઉચ્ચાર દારવિશ થાય !) ની કવિતાઓ તો સેન્સિટીવ યહૂદી વાચકો પણ વખાણે એવી હોય છે. કાવ્યમય શૈલીમાં ઇન્સ્ટા પોસ્ટની જેમ લખાયેલા એમના પ્રોન્ડ પણ તરસે મરી ગયેલી નદી જેવું કાવ્યાત્મક નામ ધરાવતા આ સંગ્રહમાં વાંચવા જેવા છે !

(૨૧) દિનાન્તે : મૃત્યુ પછી કોઈ ચિંતન થતું નથી. તે મૃત્યુ હંમેશ માટે ચિંતન જ નહિ, ચિંતાનો વિષય રહ્યો છે માણસ માટે. એક અજ્ઞાાત ભય એની દસ્તકનો લટકતો હોય ત્યારે ભાષા ને વિચારના ઉત્તમ સર્જકો આયુષ્યના અસ્તાચળે મૃત્યુને કેવી રીતે જુએ છે? રમણ સોની અને હિમાંશી શેલતનું બેનમૂન સંપાદન છે આ ! જીવતાં આવડી જાય તેવું વાંચીને !

(૨૨) સરાઉન્ડેડ બાય ઇડિયટ્સ : આમ તો આ ટાઈટલ જ કેવું ટકાટક છે. આપણા બધાની, જે સમજદાર ને સંવેદનશીલ છે, એમની આ હાલત છે. સાચા હો, હોશિયાર હો, રંગીલા હો પણ આસપાસ મૂરખાઓનું ટોળું હોય તો? થોમસ એરિક્સન સરસ ભાષામાં વર્ણવે છે. ચાર મુખ્ય પ્રકાર માનવવર્તનના સમજાવી દે છે, ને એમની સાથે કામ લેવાની કળા પણ !

(૨૩) મિથકોં સે વિજ્ઞાાન તક : ગૌહર રઝા નામના નાસ્તિક મુસ્લિમ વિજ્ઞાાની એમના તીખા વિચારોને લીધે સમાચારમાં રહે, પણ અહીં બ્રહ્માંડ બાબતનું સાયન્સ એમણે રસપ્રદ રીતે વર્ણવ્યું છે. હિન્દીમાં છે એટલે ગુજરાતીમાં વિજ્ઞાાન બાબતે કંઈક શીખવા માંગતા વાચકો પણ લાભ લઈ શકશે !

(૨૪) ધુમક્કડશાસ્ત્ર : રાહુલ સાંસ્કૃતાયને હરવાફરવાના શોખીન રખડુઓ, અંગ્રેજીમાં કહીએ તો વોન્ડરર્સ માટે આખી એક કિતાબ લખી છે! વેકેશનના પ્રવાસીઓને સફરમાં વાંચવામાં ઉપયોગી થાય એવી પાતળી પણ કન્ટેન્ટમાં વજનદાર ને ભારતના વારસાને આંગળી પકડી દેખાડતી બૂક છે આ !

ઝિંગ થિંગ

'આપણો સમાજ એટલો પરિપક્વ નથી, કે પોતાની જ મહાનતા પોતાનામાં સમાવી શકે! (ગુજરાતી અનુવાદોથી પણ વિખ્યાત વિજ્ઞાાની જયંત નારલિકરની 'ધૂમકેતુ'માંથી.'એમનું હમણા નિધન થયું !)

- જય વસાવડા

Related News

Icon