Shetrunji Dam Overflow : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. ગત મોડી રાત્રે 2થી 4 વાગ્યા સુધીના બે કલાકમાં બોટાદમાં 4 ઈંચ નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે. આ પૈકી સૌથી વધુ ગઢડામાં 14 ઇંચ, પાલીતાણામાં 12 ઇંચ, સિહોરમાં 11.6 ઇંચ, બોટાદમાં 11 ઇંચ, ઉમરાળામાં 10.4 ઇંચ, જેસરમાં 11 ઈંચ, મહુવામાં 9 ઈંચ અને રાજુલામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.
શેત્રુંજી ડેમ 100% ભરાયો, અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરાયા
સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદના પગલે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આજે (17 જૂન) બપોરે 1 કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાંને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ અમરેલીના 5 ડેમ થયા ઓવરફ્લો થયા છે. ધાતરવાડી ડેમના તમામ 16 દરવાજા ત્રણ-ત્રણ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. પાણી છોડતા પહેલા સાયરન વગાડીને નીચાણવાળા અને નદી કાંઠાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સિઝનના પ્રથમ ભારે વરસાદમાં જ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે ચોમાસાના પ્રથમ વરસાદે જ શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યાં છે.15,340 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.
આવતીકાલે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ
ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (18 જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રિ-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે.
જીવાદોરી સમાન શેત્રુંજીની પાઇપલાઈન તૂટી
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભૂતિયા ગામ નજીક ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો કોઝવે તૂટી ગયો. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની જૂની પાઈપલાઈન પણ તૂટી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા
ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયા હતા. જેના કારણે નવાગામ, લોલિયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે. નવા નીર આવવાથી નદીની આસપાસના ગામડાઓને ઍલર્ટ કરી દેવાયા છે.
સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા, એકનું મોત
અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.