
રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સાવરકુંડલામાં એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ આજે પોતાના ઘરે વહેલી સવારે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક અંકુર રામાણીની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના પિયાવા ગામે એપીએમસીના 32 વર્ષના ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે વહેલી સવારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસની તપાસમાં અંકુર રામાણીએ આપઘાત કરતા પહેલા લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે.
મૃતક અંકુર રામાણીને પત્ની રિસામણે હોવાથી તેનું ટેન્શન હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મૃતક અંકુરને ચાર બહેનો અને પોતે એક જ ભાઈ હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ સાવરકુંડલા એપીએમસી દ્વારા આવતીકાલે એપીએમસીનું કામ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે.