Home / India : 'I have differences with some Congress leaders', Shashi Tharoor

'મારે કેટલાક કોંગ્રેસ નેતાઓ સાથે મતભેદ', ચૂંટણી પ્રચાર માટે મને કોઈ ફોન પણ ના આવ્યોઃ થરૂર

'મારે કેટલાક કોંગ્રેસ નેતાઓ સાથે મતભેદ', ચૂંટણી પ્રચાર માટે મને કોઈ ફોન પણ ના આવ્યોઃ થરૂર

કોંગ્રેસ સાંસદ શશી થરૂર અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે બધું સારું નથી તેવી ચર્ચા ઘણાં સમયથી ચાલી રહી છે. હવે  કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, 'મારા કેટલાક કોંગ્રેસ નેતાઓ સાથે મતભેદ ચાલી રહ્યા છે.  હું જાણું છું કે તમે બધા જાણો છો કે હું શું વાત કરી રહ્યો છું, કારણ કે તેમાંથી કેટલાક મુદ્દાઓ જાહેરમાં છે. પરંતુ હું અહીં તેના વિશે વાત કરીશ નહીં. હું આ મુદ્દો પાર્ટી નેતૃત્વ સાથે યોગ્ય મંચ પર ઉઠાવીશ.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હું પાર્ટીને મુશ્કેલીમાં મૂકવા માંગતો નથી: શશી થરૂર

19મી જૂને કેરળમાં નિલંબુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું કે, 'હું મતદાનના દિવસે વધુ પડતું બોલીને પાર્ટીને મુશ્કેલીમાં મૂકવા માંગતો નથી. હું છેલ્લા 16 વર્ષથી કોંગ્રેસ સાથે કામ કરી રહ્યો છું અને મારી પહેલી ચિંતા દેશનું હિત છે.

નીલંબુર પેટાચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારથી અંતર રાખવાના સવાલ શશી થરૂરે કહ્યું કે, 'પાર્ટી નેતૃત્વએ મને ચૂંટણી પ્રચારનો ભાગ બનવા માટે કહ્યું ન હતું. તેઓએ (કેરળ કોંગ્રેસ નેતૃત્વ) મને ફોન કર્યો ન હતો. જો તેમણે મને ફોન કર્યો હોત, તો હું ચોક્કસ ગયો હોત. પરંતુ મને પ્રચારમાં જોડાવા માટે કોઈ નેતા તરફથી મિસ્ડ કોલ પણ મળ્યો નથી.'

ડેલિગેશન મિશનમાં થરૂરની પસંદગી થતાં કોંગ્રેસ નેતાઓ નારાજગી

ઉલ્લેખનીય છે, કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર વિશેની સચોટ માહિતી વિશ્વ સુધી પહોંચાડવા માટે ડેલિગેશન મિશનમાં શશી થરૂરની પસંદગી થતાં કોંગ્રેસના અમુક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતાઓએ શશી થરૂરની ટીકા કરી હતી કે, વિદેશ જનારા પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસે શશી થરૂરની ભલામણ ન કરી હોવા છતાં તેમની પસંદગી થઈ અને તેમના વિશ્વમાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની વાહવાહી કરી રહ્યા છે. 

PM મોદીના વખાણથી અટકળો વહેતી થઈ

કોંગ્રેસ નેતા શશી થરૂરે ડેલિગેશન મિશન દરમિયાન અનેક સ્થળોએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. તેમણે એસ. જયશંકરને વિદેશ મંત્રી અને અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રી બનાવવાના નિર્ણય પર પણ આનંદ વ્યક્ત કર્યો હતો. આ બંને નેતા શશી થરૂરના સારા મિત્ર છે. ત્યારબાદ થરૂર સમય-સમય પર વડાપ્રધાન મોદી અને તેમના નિર્ણયોના વખાણ કરતાં જોવા મળ્યા હતા. ભારતના સર્વદળીય પ્રતિનિધિમંડળમાં સામેલ થરૂરે પનામામાં 2016 અને 2019ની સર્જિકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેથી કોંગ્રેસ નેતા ઉદિત રાજ શશી થરૂરથી નારાજ થયા હતા. તેમણે ટીકા કરતાં થરૂરને ભાજપના પ્રવક્તા ગણાવ્યા હતા.

Related News

Icon