ગુજરાતી ફિલ્મો હવે તમામ મોરચે હિન્દી ફિલ્મો કે અન્ય ભાષાની ફિલ્મોની સમકક્ષ બની રહી છે. અવનવી સ્ટોરીથી લઈને અભિનય અને વીએફએક્સથી લઈને એવોર્ડ પણ મેળવી રહી છે. ત્યારે ગુજરાતી અને હિન્દી ફિલ્મોને નજીકથી જોનાર અભિનેતા મિત્ર ગઢવી સુરતના મહેમાન બન્યા હતાં. પોતાની આગામી ફિલ્મ ભ્રમના પ્રમોશન માટે આવેલા મિત્ર ગઢવીએ કહ્યું કે, ગુજરાતી ફિલ્મોનું બજેટ નાનું હોય છે. બાકી તમામ પાસાઓ હિન્દી ફિલ્મોની જેમ કામ કરે છે.
ફિલ્મોની સંખ્યામાં વધારો થયો
ગુજરાતી ફિલ્મો હાલ સારી રીતે કામ કરી રહી હોવાનું મિત્ર ગઢવીએ કહેતા ઉમેર્યું કે, વર્ષે દહાડે 100 આસપાસ સંખ્યામાં ફિલ્મો બની રહી છે. જેમાં માત્ર કોમેડી જ નહીં પરંતુ અલગ અલગ વિષયો પર આધારિત ફિલ્મો પણ સફળ થઈ રહી છે. ત્યારે અમારી આ નવી રજૂ થઈ રહેલી મર્ડર મિસ્ટ્રી આધારિત ફિલ્મ પણ લોકોને ખૂબ પસંદ આવશે. કારણ કે સસ્પેન્સ આ ફિલ્મમાં દરેક ફ્રેમમાં જડી દેવામાં આવ્યું છે.
દર્શકોને ફિલ્મ થ્રિલ કરાવશે
ફિલ્મના કલાકાર સોનાલી લેલે દેસાઈ અને નિશ્મા સોનીએ કહ્યું કે, ગુજરાતી સિનેમામાં આ પ્રકારની થ્રિલર ફિલ્મ હજી સુધી આવી નથી. પરંતુ આ ફિલ્મ એક બેન્ચમાર્ક સેટ કરશે. "હું ઇકબાલ" ફિલ્મના નિર્માતા સિટીશોર.ટીવી દ્વારા જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરાઈ છે. ફિલ્મનું તાજેતરમાં જ લોન્ચ કરાયેલ ટાઇટલ સોન્ગ "તારી હકીકત" દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે.'ભ્રમ' એ માત્ર ફિલ્મ નહીં પણ એક અનુભવ છે. એક એવી ફિલ્મ જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નવો માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.