
હાલમાં ભારતીય ક્રિકેટ ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે, પહેલા 2024માં ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન રવિચંદ્રન અશ્વિને અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું, તેના 5 મહિના બાદ જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા એ પણ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, અને હવે 5 દિવસ બાદ આજે એટલે કે 12 મેના રોજ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ પણ આ ફોર્મેટમાં તેની કારકિર્દીનો અંત લાવ્યો.
આમ છેલ્લા 6 મહિનામાં એક પછી એક ત્રણ દિગ્ગજ ભારતીય ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીને ભારત સહીત વિશ્વભરના ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા. આ દિગ્ગજોના અચાનક નિવૃત્તિ લેવાના કારણો અલગ અલગ હોઈ શકે છે. આ ત્રણેય ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટ માટે ઘણું કર્યું છે. તેમણે ઘણા રેકોર્ડ્સ પણ બનવ્યા છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20Iમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. હવે બંને ભારત માટે ફક્ત ODI રમશે.
હવે પ્રશ્ન એ થાય છે કે આ ખેલાડીઓ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત થવાનો નંબર કોનો છે? જો આપણે હાલની ટેસ્ટ ટીમ પર નજર કરીએ તો અશ્વિન, રોહિત અને કોહલી બાદ અત્યારે ભારતીય ટીમમાં સિનીયર ખેલાડી રવિન્દ્ર જાડેજા છે. તેના સિવાય મોહમ્મદ શમી પણ છે જેણે લગભગ 12 વર્ષ પહેલા ટેસ્ટ ડેબ્યુ કર્યું અને અત્યાર સુધી 64 મેચ રમી છે. આ ઉપરાંત કેએલ રાહુલ પણ હવે સિનીયર ખેલાડીમાં જ ગણી શકાય, પરંતુ તેની ઉંમર હજુ ઓછી હોવાથી તે થોડા વધુ વર્ષો રમી શકે છે.
જ્યારે જાડેજાની વાત કરીએ તો તેણે 2012માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને ભારત માટે 80 મેચ રમી છે. રવિન્દ્ર જાડેજાએ ગયા વર્ષે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે જ T20I ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. પરંતુ ટેસ્ટમાં તે શાનદાર ફોર્મમાં છે, તે ઘણા સમયથી ICC રેન્કિંગમાં નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે. હવે ભારતીય ટીમમાં સંન્યાસ લેવાનો નંબર કોનો આવશે તે તો સમય જ જણાવશે. પણ હાલમાં તો ફેન્સ એવું જ ઈચ્છતા હશે કે હવે કોઈ ભારતીય ખેલાડી આમ અચાનક સંન્યાસ ન લઈ લે.