
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખિતાબ જીત્યા પછી, રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશિપને પણ એક નવું જીવન મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂન અને ઓગસ્ટ વચ્ચે ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ પછી, રોહિત શર્માની કેપ્ટનશિપ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા. છેલ્લી ટેસ્ટમાં પણ રોહિતે પોતાને ટીમમાંથી બાકાત રાખ્યો હતો. આ ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ જસપ્રીત બુમરાહે કર્યું હતું.
BCCI તરફથી સપોર્ટ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ હવે રોહિતને BCCIનો સંપૂર્ણ સપોર્ટ મળ્યો છે. એક અહેવાલ મુજબ, બોર્ડ અને સિલેક્ટર્સે રોહિતને કેપ્ટન તરીકે બીજા મોટા પ્રવાસ પર મોકલવાનો નિર્ણય લીધો છે. બોર્ડનું કહેવું છે કે રોહિતે સાબિત કરી દીધું છે કે તે શું કરી શકે છે. બધાને લાગે છે કે રોહિત ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતનું નેતૃત્વ કરવા માટે સૌથી યોગ્ય છે. રોહિતે પણ હવે રેડ બોલ ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
રોહિતે કહ્યું હતું કે તે નિવૃત્તિ નથી લેવાનો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ, રોહિતે પોતે કહ્યું હતું કે તે નિવૃત્તિ નથી લેવાનો. જોકે, જ્યારે તેને 2027ના ODI વર્લ્ડ કપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાની યોજનાઓ જાહેર નહતી કરી. રોહિતે કહ્યું કે, 'હું સારું રમી રહ્યો છું. ટીમ સાથે હું જે કંઈ કરી રહ્યો છું તેનો મને આનંદ આવી રહ્યો છે. ટીમ પણ મારી સાથે સારી લાગણી અનુભવી રહી છે. આ ખૂબ જ સારો મુદ્દો છે. હું હમણાં 2027 વિશે કંઈ કહી નથી શકતો કારણ કે તે ઘણું દૂર છે. પણ મેં મારા બધા વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.'
ટીમ નહીં છોડવાની વાત કહી હતી
રોહિતે આગળ કહ્યું કે, 'આ વસ્તુઓ મને ઘણી ખુશી આપે છે. આમાં ઘણી બધી બાબતો સામેલ છે. ટીમ જે રીતે રમી રહી છે તેના પર અમને ખૂબ ગર્વ છે. હું ટીમ નથી છોડવા માંગતો. અમે હાલમાં જે રીતે રમી રહ્યા છીએ, તે ખૂબ જ મજેદાર છે.' ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં રોહિતે સિડની ટેસ્ટથી પોતાને બહાર કર્યો હતો. પછી તેણે કહ્યું કે આ તેની કારકિર્દીનો ખરાબ તબક્કો છે જે બહુ લાંબો સમય નહીં ચાલે. ત્રણ ટેસ્ટ મેચોમાં રોહિતનો હાઈએસ્ટ સ્કોર 10 રન હતો. તેણે ઓક્ટોબર 2024માં તેની છેલ્લી અડધી સદી ફટકારી હતી.