
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થઈ રહ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીનો પહેલો મુકાબલો 19 ફેબ્રુઆરીએ રમાશે, ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. જેના માટે 15 સભ્યોની ભારતીય ટીમ 15 ફેબ્રુઆરીએ મુંબઈથી દુબઈ જવા રવાના થઈ ગઈ છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં ત્રણ દિવસ બાકી છે. આ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાએ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી આ ત્રણ અનુભવી ખેલાડીઓ માટે છેલ્લી ICC ઈવેન્ટ સાબિત થઈ શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી રોહિત-વિરાટ-જાડેજાનો 'અંત'?
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા આકાશ ચોપરાએ કહ્યું કે વર્લ્ડ કપ 2027 હજુ ઘણો દૂર છે પરંતુ એવું લાગે છે કે ખેલાડીઓ પોતે માને છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 તેમની છેલ્લી ટૂર્નામેન્ટ હોઈ શકે છે. તેણે કહ્યું કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા માટે આ છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હોવાની પૂરી શક્યતા છે.
આકાશ ચોપરાએ એમ પણ કહ્યું કે પ્રશ્ન એ નથી કે આ ખેલાડીઓ 2027 સુધી રમી શકશે કે નહીં, પરંતુ વાસ્તવિક પ્રશ્ન એ છે કે આ ત્રણ વિના ભારતીય ક્રિકેટ કેવું હશે. તેણે સમજાવ્યું કે ખેલાડીની ઉંમર મહત્ત્વની નથી, પરંતુ ટીમને તેની સેવાઓની કેટલા સમય માટે જરૂર છે તે જોવું મહત્ત્વપૂર્ણ છે.
રોહિત-વિરાટ-જાડેજાએ સાથે મળીને T20Iને અલવિદા કહ્યું
T20 વર્લ્ડ કપ 2024માં ભારતની ઐતિહાસિક જીત પછી તરત જ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20I ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. હવે જ્યારે આ ત્રણેય પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે, ત્યારે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું આ ત્રણેય ચેમ્પિયન્સ ટ્રોફી પછી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે? તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા 36 વર્ષના છે, જ્યારે રોહિત શર્મા 37 વર્ષનો છે.