
રાજસ્થાન રોયલ્સ (RR) ના 14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ 28 એપ્રિલના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ (GT) સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે હવે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ બાબતમાં વૈભવે યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો. યુસુફે 2010માં 37 બોલમાં સદી ફટકારી હતી.
સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ પોતાની ઈનિંગ દરમિયાન એવા શોટ રમ્યા કે બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. RR અને GT વચ્ચે રમાયેલી મેચ પછી, ક્રિકેટ જગતમાં ફક્ત સૂર્યવંશીની જ ચર્ચા થઈ રહી છે. તેની ઈનિંગને કારણે RR એ 210 રનનો ટાર્ગેટ 25 બોલ અને 8 વિકેટ બાકી રહેતા ચેઝ કરી લીધો. વૈભવ(Vaibhav Suryavanshi) ની આ ઈનિંગ જોયા પછી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ તેની પ્રશંસા કરતા પોતાને રોકી ન શક્યા. તેમણે વૈભવ માટે ટ્વિટ કર્યું જેમાં તેમણે ઈનામની જાહેરાત પણ કરી.
નીતિશ કુમારે વૈભવ સૂર્યવંશી માટે ટ્વિટ કર્યું
નીતિશ કુમારે લખ્યું કે, "બિહારના વૈભવ સૂર્યવંશીને અભિનંદન અને શુભકામનાઓ, જેઓ IPLના ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી (14 વર્ષ) બન્યા છે. તેઓ પોતાની મહેનત અને પ્રતિભાને કારણે ભારતીય ક્રિકેટ માટે એક નવી આશા બની ગયા છે. બધાને તેમના પર ગર્વ છે." નીતિશ કુમારે આગળ લખ્યું કે, "મેં 2024માં જ તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. હું વૈભવ સૂર્યવંશી અને તેમના પિતાને વર્ષ 2024માં મળ્યો હતો અને તે સમયે મેં તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. મેં તેમની સાથે ફોન પર વાત કરી અને IPLમાં તેમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પણ આપ્યા. બિહારના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાનું માનદ વેતન પણ આપવામાં આવશે. મારી શુભેચ્છાઓ છે કે વૈભવ ભવિષ્યમાં ભારતીય ટીમ માટે નવા રેકોર્ડ બનાવે અને દેશનું ગૌરવ વધારે."
https://twitter.com/NitishKumar/status/1917088374399136203
BCAના પ્રમુખ રાકેશ તિવારીએ પણ વૈભવના વખાણ કર્યા હતા
આ દરમિયાન બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA) ના પ્રમુખ રાકેશ તિવારીએ પણ વૈભવ સૂર્યવંશીના વખાણ કર્યા છે. રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચ બાદ રાકેશ તિવારીએ કહ્યું કે વૈભવે ફરી એકવાર બિહાર અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. માત્ર 14 વર્ષની ઉંમરે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બનવું એ ખરેખર અસાધારણ સિદ્ધિ છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ હંમેશા માનતા હતા કે વૈભવ એક મહાન ખેલાડી બનશે અને આજે તેણે તે દિશામાં વધુ એક મોટું પગલું ભર્યું છે. આ તો ફક્ત એક અસાધારણ યાત્રાની શરૂઆત છે.