
IPL 2025ની 67મી મેચમાં ડેવાલ્ડ બ્રેવિસ, ડેવોન કોનવે અને આયુષ મ્હાત્રેની વિસ્ફોટક બેટિંગ અને ત્યારબાદ અંશુલ કંબોજ અને નૂર અહેમદની કરિશ્માઈ બોલિંગે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને ગુજરાત ટાઈટન્સ (GT) સામે 83 રનની વિશાળ જીત અપાવવામાં મદદ કરી હતી. CSKએ IPL 2025માં પોતાની સફર જીત સાથે સમાપ્ત કરી. ટીમે 14 મેચમાંથી 4 જીત સાથે સિઝનનો અંત કર્યો. હવે આ હાર GTની રમત બગાડી શકે છે. હાલમાં GT 14 મેચમાં 9 જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ, CSK એ ગુજરાત સામે 9 બોલ બાકી રહેતા 83 રનથી જીત મેળવી હતી. આ મેચ જીતવાથી CSKના પ્લેઓફમાં પહોંચવા કે ન પહોંચવા પર કોઈ નહીં અસર પડે, પરંતુ ધોનીના ફેન્સ માટે, આ સિઝનનો અંત આવતા તેમને ખુશીની ક્ષણો મળી. બીજી તરફ, ગુજરાત ટાઈટન્સ (GT) ની હારથી ટોપ 2માં રહેવાની તેની આશાઓને ઝટકો લાગ્યો છે. શુભમન ગિલની ટીમ સતત બીજી મેચ હારી ગઈ છે. બીજી તરફ, જો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), પંજાબ કિંગ્સ (PBKS) અથવા મુંબઈ ઈન્ડિયન્સ (MI) માંથી કોઈપણ પોતાની છેલ્લી મેચ જીતે છે, તો GT ટોપ 2ની રેસમાંથી બહાર થઈ શકે છે.
CSK એ 231 રનનો મોટો ટાર્ગેટ આપ્યો
CSK અને GT વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શુભમન ગિલની ટીમ મેદાન પર બોલિંગ કરવા આવી. આયુષ મ્હાત્રે અને કોનવેએ CSKને શાનદાર શરૂઆત અપાવી. આયુષ મ્હાત્રેએ 17 બોલમાં 34 રન અને કોનવેએ 35 બોલમાં 52 રન બનાવ્યા હતા.
ઉર્વિલ પટેલે 19 બોલમાં ઝડપી 35 રન બનાવ્યા હતા. અંતે, ડેવાલ્ડ બ્રેવિસે વિસ્ફોટક બેટિંગ કરી અને 23 બોલમાં 57 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 18 બોલમાં 21 રન બનાવીને અણનમ પાછો ફર્યો. ફક્ત શિવમ દુબેનું બેટ શાંત રહ્યું, શિવમે 8 બોલમાં 17 રનની ઈનિંગ રમી હતી. આ રીતે CSK એ GTને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જ્યારે GTના બોલરો CSKની માત્ર 5 વિકેટ લઈ શક્યા હતા.
ગુજરાતનો સતત બીજો પરાજય
જ્યારે GTની ટીમ આ વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા માટે મેદાનમાં ઉતરી ત્યારે ટીમના કેપ્ટન શુભમન ગિલે ત્રીજી ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી. ગિલ 9 બોલમાં 13 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો. GTએ ચોથી અને પાંચમી ઓવરમાં 1-1 વિકેટ ગુમાવી દીધી. આ પછી, સાઈ સુદર્શન અને શાહરૂખ ખાને 10 ઓવર સુધી ઈનિંગ સંભાળી અને ટીમનો સ્કોર ફક્ત 3 વિકેટના નુકસાન પર 85 રન સુધી પહોંચાડ્યો હતો.
CSK અને GTની મેચમાં રોમાંચ ત્યારે થયો જ્યારે રવિન્દ્ર જાડેજા 11મી ઓવર નાખવા આવ્યો અને તેણે બંને સ્થિર બેટ્સમેનોને આઉટ કર્યા. આ પછી, ગુજરાતની વિકેટ પડવાનો ક્રમ ચાલુ રહ્યો. આ મેચમાં ટીમ માટે સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા હતા. સુદર્શને 28 બોલમાં 41 રનની ઈનિંગ રમી. આ GTનો સતત બીજો પરાજય છે. અગાઉની મેચમાં પણ GTને LSG સામે 33 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.