
IPL 2025માં, આજે (27 એપ્રિલ) ફરી એકવાર ડબલ હેડર રમશે. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે વાનખેડે ખાતે રમાશે. આ પછી બીજી મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે. આમાં દિલ્હી કેપિટલ્સ (DC) નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સાથે થશે. બંને ટીમો શાનદાર ફોર્મમાં છે અને આજની મેચમાં બંને ટીમો પોઈન્ટ્સ ટેબલમાં નંબર 1 પર પહોંચવાનો પ્રયાસ કરશે. હાલમાં, દિલ્હી 12 પોઈન્ટ અને સારી નેટ રન રેટ સાથે બીજા નંબર પર છે, જ્યારે બેંગલુરુના પણ 12 પોઈન્ટ છે પરંતુ તેની નેટ રન રેટ ઓછી હોવાને કારણે તે ત્રીજા સ્થાને છે. આજે જે ટીમ જીતશે તેના 14 પોઈન્ટ થશે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
IPLમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે, પરંતુ વર્તમાન ફોર્મને જોતાં, DC અને RCB બંને પ્લેઓફમાં પ્રવેશ કરશે તેવી અપેક્ષા છે. જો આપણે બંને ટીમો વચ્ચેના હેડ ટૂ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે. જેમાંથી DC એ 12 મેચ જીતી છે અને બેંગલુરુએ 19 મેચ જીતી છે. એકનું કોઈ પરિણામ નથી આવ્યું. 2021 થી, DC એ RCB સામે 7તમાંથી ફક્ત 2 મેચ જીતી છે. DCએ અરુણ જેટલી સ્ટેડિયમમાં RCB સામે 10 મેચ રમી છે અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. DCની ટીમ ઘરઆંગણે RCB સામે માત્ર 4 મેચ જીતી શકી છે.
કોહલી અને રાહુલ વચ્ચે થશે જંગ
આ મેચમાં, આપણે બે મહાન ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે ટક્કર જોવા મળશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બે ખતરનાક ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર હેઝલવુડ અને સ્ટાર્ક બંનેએ પહેલાથી જ બતાવી દીધું છે કે તેઓ પોતપોતાની IPL ટીમો માટે કેટલા મહત્ત્વપૂર્ણ છે.
હેઝલવુડ અને સ્ટાર્ક વચ્ચે મુકાબલો
હેઝલવુડ 16 વિકેટ સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં 19મી ઓવરમાં શાનદાર પ્રદર્શન કરીને RCBની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેનો દેશબંધુ સ્ટાર્ક પણ તેનાથી પાછળ નથી. યોગાનુયોગ, તેણે પણ RR સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ જોતાં, તેમ કહી શકાય કે બંને વચ્ચે પોતપોતાની ટીમોને જીત અપાવવા માટે સખત સ્પર્ધા થશે.
કુલદીપ અને સુયશ વચ્ચે પણ સ્પર્ધા
જો આપણે સ્પિન વિભાગની વાત કરીએ તો, દિલ્હીના કુલદીપ યાદવે સમગ્ર IPL દરમિયાન મધ્ય ઓવરોમાં પોતાની ગુગલીથી બેટ્સમેનોને પરેશાન કર્યા છે અને વિરોધી ટીમને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. 8 મેચમાં 12 વિકેટ લેવા ઉપરાંત, લેફ્ટ આર્મ સ્પિનરે પ્રતિ ઓવર 6.50 રનની ઈકોનોમી સાથે રન આપ્યા છે. RCBના બેટ્સમેન માટે તેનો સામનો કરવો સરળ નહીં હોય. દિલ્હીના રહેવાસી સુયશ શર્માએ પણ અત્યાર સુધી RCB માટે સારું પ્રદર્શન કર્યું છે. તે સ્થાનિક પરિસ્થિતિઓથી સારી રીતે પરિચિત છે અને તે DCના બેટ્સમેન સામે આનો ફાયદો ઉઠાવવા માંગશે.
અક્ષર અને કૃણાલમાંથી કોણ ટીમને જીતાડશે?
DCના કેપ્ટન અક્ષર પટેલે આગેવાની લીધી છે. ઈજાને કારણે તેણે સ્પર્ધામાં વધારે બોલિંગ ન કરી હોવા છતાં, તેણે છેલ્લી મેચમાં પોતાનો સંપૂર્ણ સ્પેલ પૂર્ણ કર્યો જે ટીમ માટે વધુ એક સકારાત્મક સંકેત છે. કૃણાલ પંડ્યા RCB માટે આવી જ ભૂમિકા ભજવશે. લેફ્ટ આર્મ સ્પિનરે અત્યાર સુધી તેની નવી ફ્રેન્ચાઈઝી માટે સારું પ્રદર્શન કર્યું છે, તેણે 9 મેચમાં 12 વિકેટ લીધી છે.
ડુ પ્લેસિસ પોતાની જૂની ટીમ સામે રમી શકે છે
જેક-ફ્રેઝર મેકગર્કને બહાર કર્યા બાદ દિલ્હી ફક્ત ત્રણ વિદેશી ખેલાડીઓ સાથે રમી રહ્યું છે અને એવી શક્યતા છે કે અભિષેક પોરેલ અને કરુણ નાયર ઈનિંગની શરૂઆત કરશે. જોકે, ફાફ ડુ પ્લેસિસે નેટ સેશનમાં ભાગ લીધો હતો અને જો તે રમશે તો તે પોરેલ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. ડુ પ્લેસિસ ગઈ સિઝનમાં RCBનો કેપ્ટન હતો અને તેથી તે રણનીતિ બનાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
DC: અભિષેક પોરેલ, ફાફ ડુ પ્લેસિસ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.
RCB: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.