Home / Sports / Hindi : GT won their first match of IPL 2025 defeating Mumbai Indians

IPL 2025માં ખુલ્યું ગુજરાત ટાઈટન્સનું ખાતું, મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું

IPL 2025માં ખુલ્યું ગુજરાત ટાઈટન્સનું ખાતું, મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું

ગુજરાત ટાઈટન્સે આખરે IPL 2025માં પોતાનું ખાતું ખોલ્યું છે. અમદાવાદમાં રમાયેલી મેચમાં, ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી સરળતાથી હરાવ્યું હતું. આ રીતે, ગુજરાતને સિઝનની બીજી મેચમાં પ્રથમ જીત મળી. કેપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી મુંબઈને જીત અપાવવામાં મદદ ન કરી શકી અને ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો. સાઈ સુદર્શનની શાનદાર ઈનિંગ્સ અને પછી પાવરપ્લેમાં મોહમ્મદ સિરાજના સ્પેલના આધારે, શુભમન ગિલની ટીમે પાંચ વખતની ચેમ્પિયન ટીમને હરાવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે આ ચોથી મેચ હતી. મુંબઈ આ પહેલા ત્રણેય મેચ હારી ગયું હતું. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ટીમ સામે ઈતિહાસ બદલવાનો પડકાર હતો. પરંતુ આ વખતે પણ કંઈ નવું ન થયું અને ઘરઆંગણે પહેલી મેચ હાર્યા બાદ ગુજરાતે જોરદાર વાપસી કરી. શુભમન ગિલની ટીમે આ મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાતના ટોપ ઓર્ડરની આક્રમક બેટિંગ

આ મેચમાં ટોસ હાર્યા બાદ ગુજરાતે પ્રથમ બેટિંગ કરી હતી. પાવરપ્લેમાં જ કેપ્ટન શુભમન ગિલ (38) અને સાઈ સુદર્શન (63) એ 66 રનની પાર્ટનરશિપ કરી હતી. મુંબઈને પહેલી વિકેટ 10મી ઓવરમાં મળી જ્યારે હાર્દિક પંડ્યાએ ગિલને 78 રનના સ્કોર પર આઉટ કર્યો. આ પછી, સુદર્શન અને જોસ બટલરે પણ 51 રનની પાર્ટનરશિપ કરી. બટલર (39) ના આઉટ થયા પછી,  સુદર્શને શાહરૂખ ખાન અને શેરફાન રૂધરફોર્ડ સાથે નાની પાર્ટનરશિપ કરી. મુંબઈએ 18મી અને 19મી ઓવરમાં સતત 3 વિકેટ લઈને વાપસી કરી હોવા છતાં, ગુજરાતે 196 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન હાર્દિક મુંબઈ માટે સૌથી સફળ અને અસરકારક બોલર સાબિત થયો હતો.

પાવરપ્લેમાં સિરાજની કમાલ

બેટિંગમાં ઉત્તમ પાવરપ્લે બાદ, ગુજરાતે પ્રથમ 6 ઓવરમાં બોલિંગમાં પણ તેવું જ પ્રદર્શન કર્યું. પહેલી ઓવરમાં સતત બે બાઉન્ડ્રી લાગ્યા બાદ, સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે જોરદાર વાપસી કરી અને રોહિત શર્મા (8) ને આઉટ કર્યો. પછી પાંચમી ઓવરમાં પણ સિરાજે રિયન રિકલટેનને બોલ્ડ કર્યો હતો. મુંબઈની ટીમ પાવર પ્લેમાં ફક્ત 48 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 62 રન ઉમેર્યા પરંતુ તિલક (39) ધીમો પડવા લાગ્યો. આખરે, રન રેટ વધાવાના દબાણ હેઠળ, તે પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો.

સૂર્યકુમાર પર પ્રસિદ્ધ કૃષ્ણાનો સ્પેલ ભારે હતો

છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ ફોર્મમાં ઝઝૂમી રહેલા સૂર્યકુમાર યાદવે (48) આ મેચમાં પોતાનું જૂનું ફોર્મ બતાવ્યું અને કેટલાક શાનદાર શોટ રમ્યા પરંતુ તેને બીજા છેડેથી કોઈ સપોર્ટ ન મળ્યો. અગાઉની મેચમાં ખૂબ જ મોંઘો સાબિત થયેલા પ્રસિદ્ધ (2/18) એ આ વખતે મિડલ ઓવરોમાં ખૂબ જ ઈકોનોમિકલ બોલિંગ કરીને મુંબઈને બેકફૂટ પર ધકેલી દીધું અને પછી 16મી ઓવરમાં સૂર્ય કુમારને આઉટ કરીને મુંબઈની હાર પર મહોર લગાવી. કેપ્ટન હાર્દિક બેટિંગમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો અને 17 બોલમાં ફક્ત 11 રન જ બનાવી શક્યો. અંતે, નમન ધીર અને મિશેલ સેન્ટનરે હારના અંતરને ઘટાડવા માટે 36 રન ઉમેર્યા. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સિરાજ અને પ્રસિદ્ધે 2-2 વિકેટ લીધી હતી.

Related News

Icon