ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સિઝનનો 22મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે અને તમામ 10 ફ્રેન્ચાઈઝીની ટીમો વિશ્વની હાઈપ્રોફાઈલ T20 લીગ જીતવા માટે તૈયારીઓમાં વ્યસ્ત છે. IPLની ફ્રેન્ચાઈઝીમાં વિદેશી કોચની ભારે બોલબાલા જોવા મળી રહી છે. ટીમના હેડ કોચ અને સપોર્ટ સ્ટાફમાં ઘણા વિદેશના દિગ્ગજ ક્રિકેટરોને જવાબદારી સોંપવામાં આવી છે. IPLની 18મી સિઝનમાં 6 ફ્રેન્ચાઈઝીના હેડ કોચ તરીકે વિદેશના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ છે. જ્યારે 4 ટીમના હેડ કોચ તરીકે ભારતના પૂર્વ ક્રિકેટરો કાર્યરત છે. IPLની 6 ફ્રેન્ચાઈઝી ગત સિઝનના કોચની સાથે જ આ સિઝનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. જ્યારે 4 ફ્રેન્ચાઈઝીએ સફળતાની આશા સાથે નવા કોચને ટીમના માર્ગદર્શનની જવાબદારી સોંપી છે.

