
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025ની ત્રીજી મેચ હારી ગઈ છે. એક સમયે એવું લાગતું હતું કે ટીમ સરળતાથી મેચ જીતી જશે, પરંતુ છેલ્લી ઓવરોમાં મેચમાં એવો વળાંક આવ્યો કે LSG એ મેચ જીતી લીધી. આ હાર માટે મુંબઈનો એક બેટ્સમેન જવાબદાર છે, જેણે જીતેલી મેચ હરાવી. અમે વાત કરી રહ્યા છીએ તિલક વર્મા વિશે, 204 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે પણ સ્લો ઈનિંગ રમી રહ્યો હતો.
સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ સારી બેટિંગ કરી હતી
લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 203 રન બનાવ્યા હતા. એટલે કે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 204 રનની જરૂર હતી. આ કામ સરળતાથી થઈ શક્યું હોત. ટીમે પણ સારી શરૂઆત કરી. સૂર્યકુમાર યાદવે ટાર્ગેટ ચેઝ કરતી વખતે અડધી સદી પણ ફટકારી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ પણ છેલ્લી ઓવર સુધી હાર નહતી માની, પરંતુ તિલક વર્મા કંઈક બીજું જ વિચારી રહ્યો હોય તેવું લાગતું હતું. શરૂઆતમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું પરંતુ જ્યારે ટીમ બેટિંગ કરવા આવી ત્યારે તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર આવ્યો હતો.
તિલક વર્માએ 25 બોલમાં 23 રનની ઈનિંગ રમી અને રિટાયર્ડ આઉટ થયા
IPLમાં ભાગ્યે જ કોઈ ખેલાડી રિટાયર્ડ આઉટ થાય છે. ખાસ કરીને જ્યારે કોઈ બેટ્સમેનને આવું કરવું પડે છે, ત્યારે આનાથી વધુ શરમજનક શું હોઈ શકે. મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં હતી તિલક વર્મા પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ તેણે 23 બોલમાં 25 રનની ખરાબ ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે ફક્ત બે ચોગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી ઓવર પહેલા, એટલે કે 19મી ઓવરમાં, તિલક વર્મા રિટાયર્ડ આઉટ થયો, એટલે કે, તેણે આઉટ થયા વિના મેદાન છોડ્યું, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તેના સ્થાને આવેલો મિચેલ સેન્ટનર પણ 2 બોલમાં ફક્ત 2 રન જ બનાવી શક્યો હતો.
હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવર સુધી મેચ જીવંત રાખી
મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 22 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ પહેલા જ બોલ પર સિક્સ ફટકારીને મેચ જીવંત રાખી. આ પછી, આગલા બોલ પર બે રન આવ્યા, મુંબઈની ટીમ અહીંથી પણ જીતી શકી હોત, પરંતુ ત્રીજા અને ચોથા બોલ પર કોઈ રન ન આવ્યો અને અહીં ટીમ મેચ હારી ગઈ. જ્યારે હાર્દિક પંડ્યા અને તિલક વર્માની જોડી મેદાન પર હતી, ત્યારે મેચ સરળતાથી જીતી શકાઈ હોત. પરંતુ તિલક વર્મા રન ન બનાવી શક્યો. આવી સ્થિતિમાં, આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે તિલક વર્માથી મોટો વિલન કોણ હોઈ શકે?