
IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નો મુકાબલો પંજાબ કિંગ્સ (PBKS) સામે થશે. આ વખતે IPL ને નવો ચેમ્પિયન મળવાની ખાતરી છે, કારણ કે બંને ટીમો આજ સુધી IPL ટાઈટલ નથી જીતી શકી.
દરેક વ્યક્તિ ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે, જે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. આ સ્ટેડિયમમાં વરસાદના કેટલાક જૂના રેકોર્ડ પણ જોવા મળ્યા છે, જ્યારે વરસાદને કારણે મેચ પ્રભાવિત થઈ હતી.
આ સ્ટેડિયમ ખાસ કરીને મોટી મેચોનું આયોજન કરે છે, પરંતુ અહીંના હવામાને ઘણી વખત ફેન્સની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ વખતે પણ અમદાવાદનું હવામાન ડરાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, આજે આપણે IPLના ઈતિહાસમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદને કારણે પ્રભાવિત થયેલી મેચો વિશે જાણીશું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદે ક્યારે બગાડી છે મેચ?
IPL 2023 ફાઈનલ
મોટાભાગના લોકોને યાદ જ હશે કે 2023ની IPL ફાઈનલ મેચ CSK અને GT વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વરસાદે ભારે વિક્ષેપ પાડ્યો હતો. આ ફાઈનલ મેચ 28 મેના રોજ યોજાવાની હતી, પરંતુ સતત વરસાદને કારણે, તે દિવસે એક પણ બોલ નહતો ફેંકાયો અને આખા દિવસની રમત ધોવાઈ ગઈ હતી.
આ મેચ રિઝર્વ ડે એટલે કે 29 મેના રોજ રમાઈ હતી. કમનસીબે, તે દિવસે વરસાદે ફરીથી વિઘ્ન ઉભું કર્યું અને પછી CSK એ ડકવર્થ-લુઈસ-સ્ટર્નના નિયમ હેઠળ મેચ જીતી હતી. આ રીતે, IPLના ઈતિહાસમાં આ પહેલીવાર હતું, જ્યારે ફાઈનલ મેચ આટલો લાંબો સમય ચાલી હોય.
IPL 2024માં GT અને KKR વચ્ચેની મેચ
2024ની IPL સિઝનમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GT અને KKR વચ્ચે રમાનારી લીગ સ્ટેજની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચ એક પણ બોલ ફેંક્યા વિના રદ્દ કરવામાં આવી હતી.
IPL 2025 ક્વોલિફાયર-2 મેચ
પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે IPL 2025ની બીજી ક્વોલિફાયર મેચ પણ વરસાદથી પ્રભાવિત થઈ હતી. મેચ શરૂ થવાની તૈયારી જ હતી કે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો અને મેચ રોકી દેવામાં આવી. PBKSના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી અને લાંબા સમય પછી મેચ શરૂ થઈ.
જોકે ઓવર નહતી કાપવામાં આવી, પરંતુ વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી. હવે IPL 2025ની ફાઈનલ મેચ પહેલા, ફેન્સને ડર છે કે IPL 2023ની જેમ, આ વર્ષે પણ વરસાદ મેચને વિક્ષેપિત કરી શકે છે.