
લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2025માં પોતાની પહેલી મેચ પહેલા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. લખનૌએ એક એવા ખેલાડીને ટીમમાં સામેલ કર્યો છે જેને મેગા ઓક્શનમાં કોઈએ નહતો ખરીદ્યો. ટીમનો બોલર મોહસીન ખાન ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેથી શાર્દુલને તક આપવામાં આવી છે. શાર્દુલનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો રહ્યો છે. પરંતુ તે IPL 2025 મેગા ઓક્શનમાં નહતો વેચાયો. હવે લખનૌએ તેને બેઝ પ્રાઈસ પર ટીમમાં સામેલ કર્યો છે.
IPLની સત્તાવાર વેબસાઈટ પર શાર્દુલ વિશે માહિતી શેર કરવામાં આવી છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મોહસીન ખાન ઈજાથી પીડાઈ રહ્યો છે. આ સિઝનમાં તે એક પણ મેચ નહીં રમી શકે. તેથી ટીમે શાર્દુલને સાઈન કર્યો છે. શાર્દુલની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. તેથી તેણે 2 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે એક અનુભવી ફાસ્ટ બોલર છે. આ સિઝનમાં લખનૌની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ સામે છે. આ મેચ 24 માર્ચે રમાશે. લખનૌની ટીમ રિષભ પંતની કેપ્ટનશિપમાં રમશે.
શાર્દુલનું IPLમાં પ્રદર્શન
શાર્દુલે IPLમાં અત્યાર સુધીમાં 94 વિકેટ લીધી છે. IPL 2021ની સિઝન તેના માટે ખૂબ સારી રહી હતી. શાર્દુલે આ સિઝનમાં 16 મેચમાં 21 વિકેટ લીધી હતી. જ્યારે તેણે 2020માં 10 વિકેટ લીધી હતી. શાર્દુલે 2015માં IPLમાં ડેબ્યુ મેચ રમી હતી. શાર્દુલ 5 IPL ટીમો માટે રમી ચૂક્યો છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ માટે રમી ચૂક્યો છે.
તમને જણાવી દઈએ કે સિઝનની પહેલી મેચ KKR અને RCB વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, RCB એ 7 વિકેટે જીત મેળવી હતી. ટીમની જીતમાં વિરાટ કોહલીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોહલીએ અણનમ અડધી સદી ફટકારી હતી.