
IPL 2025ની એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે હારી ગઈ હતી. આ પછી એક વિવાદ શરૂ થયો છે. RRની હાર પર મેચ ફિક્સિંગના આરોપો લાગવા લાગ્યા છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) ની એડ-હોક કમિટીના કન્વીનર જયદીપ બિહાનીએ કહ્યું કે આ મેચમાં ચોક્કસપણે કંઈક ખોટું થયું છે.
રાજસ્થાન રોયલ્સની હાર પર મેચ ફિક્સિંગના આરોપો
મેચની વાત કરીએ તો, RRને 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને છેલ્લી ઓવરમાં તેને જીતવા માટે ફક્ત 9 રનની જરૂર હતી, એમાં પણ તેમની પાસે 6 વિકેટ બાકી હતી. પરંતુ LSGના બોલર આવેશ ખાને શાનદાર બોલિંગ કરી અને RR 2 રનથી હારી ગયું. આ હાર બાદ જ રાજસ્થાનની ટીમ પર પ્રશ્નો ઉભા થયા છે.
ટીમની હાર અંગે જયદીપ બિહાણીએ શંકા વ્યક્ત કરી
જયદીપ બિહાનીને આ હાર અંગે શંકા વ્યક્ત કરી છે અને પ્રશ્ન ઉઠાવ્યા છે કે ટીમ પોતાના જ ઘરઆંગણે કેવી રીતે હારી ગઈ? તેણે યાદ અપાવ્યું કે 2013ની શરૂઆતમાં, રાજસ્થાનના કેટલાક ખેલાડીઓ સ્પોટ-ફિક્સિંગમાં સામેલ હતા અને ટીમનો ઈતિહાસ થોડો વિવાદાસ્પદ રહ્યો છે.
અગાઉ રાજ કુન્દ્રા પર પણ લાગ્યો હતો સટ્ટાબાજીનો આરોપ
આ ઉપરાંત જયદીપ બિહાનીએ એવો પણ આરોપ લગાવ્યો કે ફ્રેન્ચાઈઝીનો માલિક રાજ કુન્દ્રા પણ અગાઉ સટ્ટાબાજીના કેસમાં ફસાઈ ચૂક્યો છે અને તેના કારણે ટીમને બે વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.
આ વખતે પણ તેણે BCCI પાસે માંગ કરી છે કે આ મામલાની તપાસ થવી જોઈએ. ફ્રેન્ચાઈઝીનો માલિક રાજ કુંદ્રા સટ્ટાબાજી કરતા પકડાયો બાદ ટીમ પર 2016 અને 2017માં બે સેશન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સ્ટેડિયમ મેનેજમેન્ટ પર પણ ઉઠાવ્યા પ્રશ્નો
ઇન્ટરવ્યુમાં, બિહાનીએ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનને IPLનું આયોજન કરવાથી દૂર રાખવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેણે કહ્યું કે, "રાજ્ય સરકાર દ્વારા RCAની નિમણૂક એક એડ-હોક સમિતિ તરીકે કરવામાં આવી હતી અને આ સમયગાળા દરમિયાન તમામ સ્તરે ક્રિકેટ સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ IPLના આયોજન સમયે, રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલે સ્ટેડિયમનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું."
આ મામલે વધુમાં વાત કરતા બિહાનીએ વધુમાં કહ્યું હતું કે, "BCCIએ પહેલા IPL માટે RCAને પત્ર મોકલ્યો હતો પરંતુ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને રાજસ્થાન રોયલ્સે બહાનું કાઢ્યું કે અમારી પાસે સવાઈ માનસિંહ સ્ટેડિયમનો MOU નથી. જો કોઈ MOU ન હોય તો શું? શું તમે દરેક મેચ માટે સ્પોર્ટ્સ કાઉન્સિલને પૈસા નથી આપતા?" બિહાનીના આ નિવેદનથી વિવાદ વધ્યો છે.
અગાઉ મેચ સુપર ઓવર સુધી ગઈ હતી
આ પહેલી વાર નથી જ્યારે રાજસ્થાન રોયલ્સ આટલી નજીક પહોચીને મેચ હારી ગયું હોય. અગાઉ, દિલ્હી કેપિટલ્સ (DC) સામે પણ, ટીમને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી અને તેમની પાસે 7 વિકેટ બાકી હતી. પરંતુ તે મેચ પણ સુપર ઓવરમાં ગઈ અને રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો. સતત ચોથી હાર બાદ, રાજસ્થાન રોયલ્સ હવે IPL 2025ના પોઈન્ટ્સ ટેબલમાં આઠમા સ્થાને છે, તેની પાસે 8 મેચમાંથી ફક્ત 2 જીત અને 4 પોઈન્ટ છે.