IPL 2025ની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. 23 માર્ચે ચેપોકમાં યોજાયેલી આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની પણ રમવા આવ્યો હતો. પહેલી જ મેચમાં તેણે વીજળીની ગતિથી સ્ટમ્પિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેનું સ્ટમ્પિંગ એટલું ઝડપી હતું કે મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ ખબર ના પડી અને તે આઉટ થઈ ગયો. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ધોનીએ ફક્ત 0.12 સેકન્ડમાં સ્ટમ્પ વિખેરી નાખ્યા. આ જ કારણ છે કે સૂર્યકુમાર યાદવ સમજી ન શક્યો કે તેની સાથે શું થયું. તે પણ ધોનીની ગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આ સાથે, 43 વર્ષીય ધોનીએ બતાવ્યું છે કે તેની સ્ફૂર્તિ હજુ પણ પહેલા જેવી જ છે.
ક્રીઝ છોડવી મોંઘી સાબિત થઈ
મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વના શ્રેષ્ઠ વિકેટકીપરમાંથી એક માનવામાં આવે છે. તેની ગતિને કારણે, એવું કહેવાય છે કે જ્યારે તે વિકેટ પાછળ હોય ત્યારે ક્રીઝ છોડવાની ભૂલ ન કરવી જોઈએ. પરંતુ સૂર્યકુમાર યાદવે આ ભૂલ કરી, જે તેને મોંઘી પડી. તે મુંબઈની ઈનિંગ્સને ઝડપી બનાવવા માંગતો હતો. આ માટે, નૂર અહેમદ સામેની ઓવરના ત્રીજા બોલ પર, તે ક્રીઝની બહાર આવ્યો અને મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો અને જે તેણે મોંઘુ પડ્યું. સૂર્યકુમાર યાદવે પોતાનો બેટ સ્વિંગ પણ પૂર્ણ નહતી કરી, જ્યારે ધોનીએ આંખના પલકારામાં સ્ટમ્પ ઉડાડી દીધી.
નૂર અહેમદે મુંબઈની કમર તોડી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં થયો હતો. હંમેશની જેમ, CSK એ પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું. પ્રથમ ઈનિંગ દરમિયાન, મુંબઈના બેટ્સમેન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા. ચેન્નાઈની ધીમી પીચ પર, તેઓ CSKના સ્પિનર્સના ફંદામાં ફસાઈ ગયા અને 20 ઓવરમાં ફક્ત 155 રન જ બનાવી શક્યા. ખાસ કરીને નૂર અહેમદે મુંબઈની કમર તોડી નાખી. તેણે 4 ઓવરમાં ફક્ત 18 રન આપ્યા અને 4 મહત્ત્વપૂર્ણ વિકેટો લીધી. સૂર્યકુમાર યાદવ ઉપરાંત, તેણે તિલક વર્મા, રોબિન મિંજ અને નમન ધીરની વિકેટ પણ લીધી હતી. તેના સિવાય ખલીલ અહેમદે 3 વિકેટ લીધી હતી. આર અશ્વિન અને નાથન એલિસને પણ 1-1 સફળતા મળી હતી.