
આજે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) IPL 2025માં બીજી વખત ટકરાશે. 18 એપ્રિલના રોજ બંને ટીમ વચ્ચે આ સિઝનની પહેલી મેચ રમાઈ હતી, જે PBKS એ 5 વિકેટે જીતી હતી. PBKSની ટીમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તેણે 7માંથી 5 મેચ જીતી છે. બીજી તરફ, RCBની ટીમ, જેને તેની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તે 7 મેચ રમ્યા પછી 4 મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં, બધાની નજર આજની મેચ પર રહેશે.
મુલ્લાનપુર સ્ટેડિયમ પિચ રિપોર્ટ
જો આપણે મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુરની પિચ વિશે વાત કરીએ, તો છેલ્લી મેચમાં અહીં 112 રનનો ટાર્ગેટ પણ ચેઝ નહતો થયો. આવી સ્થિતિમાં, જો મેચ ફરીથી એ જ પિચ પર રમાશે તો બેટ્સમેન માટે રન બનાવવા ખૂબ મુશ્કેલ બની જશે. જો મેચ બીજી કોઈ પિચ પર રમાશે તો તે બેટિંગ માટે થોડી સારી હોઈ શકે છે, જ્યાં બોલરો માટે રનને નિયંત્રિત કરવા થોડા મુશ્કેલ બની શકે છે.
યુઝવેન્દ્ર ચહલ અને વિરાટ કોહલીના પ્રદર્શન પર રહેશે નજર
આ મેચની વાત કરીએ તો, યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન PBKSની ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે, છેલ્લી 2 મેચમાં ચહલે બોલ સાથે ટીમ માટે મહત્ત્વપૂર્ણ વિકેટો પણ લીધી છે, તેથી તે RCB સામેની આ મેચમાં પણ કંઈક આવું જ કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, વિરાટ કોહલીનું પ્રદર્શન RCB ટીમ માટે મહત્ત્વપૂર્ણ બનવાનું છે કારણ કે છેલ્લી મેચમાં તે ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, આ મેચમાં તે સારું પ્રદર્શન કરે તે જરૂરી છે.
આ મેચ કઈ ટીમ જીતી શકે છે?
જો આ મેચના પરિણામની વાત કરીએ તો, PBKSની ટીમનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, RCB સામે તેનો રેકોર્ડ હેડ ટૂ હેડમાં સારો છે અને છેલ્લી મેચમાં તેને હરાવવામાં પણ સફળતા મળી હતી. આ મેચમાં ટોસ અને પિચ બંને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. PBKS અને RCB વચ્ચે અત્યાર સુધીમાં 34 મેચ રમાઈ છે, જેમાંથી પંજાબની ટીમ 18 મેચ જીતવામાં સફળ રહી છે જ્યારે RCB એ 16 મેચ જીતી છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
PBKS: પ્રિયાંશ આર્ય, નેહલ વઢેરા, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, જોશ ઈંગ્લિશ (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાન્સન, હરપ્રીત બ્રાર, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
RCB: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, યશ દયાલ.