
ગઈકાલે પંજાબ કિંગ્સ (PBKS) સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના કેપ્ટન રજત પાટીદાર (Rajat Patidar) એ 18 બોલમાં 1 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. આ સાથે તેણે IPLમાં પોતાના 1000 રન પૂરા કરીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. જોકે, તેની ટીમ આ મેચ 5 વિકેટથી હારી ગઈ હતી.
પ્રથમ બેટિંગ કરતા, RCBની ટીમ નિષ્ફળ ગઈ હતી. વિરાટ કોહલીથી લઈને લિયામ લિવિંગસ્ટોન સુધી, ટોપ ઓર્ડરના બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા. ટિમ ડેવિડના 50 રનની ઈનિંગે RCBને સન્માનજનક સ્કોર (95) સુધી પહોંચવામાં મદદ કરી હતી. આ પહેલા રજત પાટીદાર (Rajat Patidar) એ 23 રન બનાવીને પોતાની IPL કારકિર્દીના 1000 રન પૂરા કર્યા હતા. તમને જણાવી દઈએ કે વરસાદથી પ્રભાવિત આ મેચ મોડી શરૂ થઈ હતી અને મેચ 14-14 ઓવરની હતી.
રજત પાટીદારે સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
RCBનો કેપ્ટન રજત પાટીદાર (Rajat Patidar) IPLમાં સૌથી ઓછી ઈનિંગ્સમાં 1000 રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો છે, તેણે સચિન તેંડુલકર અને ઋતુરાજ ગાયકવાડને પાછળ છોડી દીધા છે. શુક્રવારે રજત તેની 30મી IPL ઈનિંગ રમી રહ્યો હતો. જ્યારે તેંડુલકર અને ગાયકવાડે IPLની 31મી ઈનિંગમાં 1000 રન બનાવ્યા હતા. રજત પાટીદાર (Rajat Patidar) યાદીમાં બીજા સ્થાને છે, સૌથી ઓછી ઈનિંગ્સમાં 1000 રન બનાવવાનો રેકોર્ડ સાઈ સુદર્શનના નામે છે. તેણે 25 ઈનિંગ્સમાં આ આંકડો પાર કર્યો છે.
https://twitter.com/IPL/status/1913268575017816465
રજત પાટીદારની IPL કારકિર્દીની વાત કરીએ તો, તેણે 34 મેચોની 30 ઈનિંગ્સમાં 1008 રન બનાવ્યા છે. ટૂર્નામેન્ટમાં તેનો હાઈએસ્ટ સ્કોર 112 રન છે. આ તેની IPLમાં એકમાત્ર સદી છે. આ ઉપરાંત, તેણે 9 અડધી સદીની ઈનિંગ્સ પણ રમી છે. તેણે ટૂર્નામેન્ટમાં 69 ચોગ્ગા અને 64 છગ્ગા ફટકાર્યા છે.
તેણે IPLમાં સૌથી ઓછા બોલમાં 1000 રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. તેણે વીરેન્દ્ર સેહવાગ (604) અને યુસુફ પઠાણ (617) પછી 626 બોલમાં આ સિદ્ધિ મેળવી છે.
પંજાબ કિંગ્સે મેચ 5 વિકેટે જીતી
RCBના બોલરોએ 96 રન ડિફેન્ડ કરતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ અંતિમ ઓવરોમાં નેહલ વઢેરા (33) ની શાનદાર ઈનિંગે મેચ તેમની પાસેથી છીનવી લીધી. પંજાબે 11 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કરી લીધો અને 5 વિકેટે જીત મેળવી.