
આજે પંજાબ કિંગ્સ (PBKS) નો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે મુકાબલો છે. મેચ પહેલા શ્રેયસ અય્યર અને ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે, ટીમમાં સામેલ ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન (Lockie Ferguson) ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર છે. હૈદરાબાદ સામેની મેચ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ તે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો.
PBKSના બોલિંગ કોચ જેમ્સ હોપ્સે મુલ્લાનપુર સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચ પહેલા જણાવ્યું હતું, "લોકી ફર્ગ્યુસન અનિશ્ચિત સમય માટે બહાર થઈ ગયો છે અને ટૂર્નામેન્ટના અંત સુધીમાં તેના પાછા આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. મને લાગે છે કે તેને ખૂબ ગંભીર ઈજા થઈ છે."
SRH સામેની છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ફર્ગ્યુસન (Lockie Ferguson) ને ડાબા પગમાં ઈજા થઈ હતી. ફિઝિયો આવ્યા અને તેમની સલાહ લીધા પછી, તે ઓવરની વચ્ચે જ મેદાન છોડી ગયો અને ફરી પાછો નહતો આવ્યો. SRH એ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
IPL 2025માં લોકી ફર્ગ્યુસનનું પ્રદર્શન
PBKS એ ફર્ગ્યુસન (Lockie Ferguson) ને મેગા ઓક્શનમાં 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPLના ઈતિહાસમાં બીજા ક્રમનો સૌથી ઝડપી બોલર છે, તેણે ગુજરાત ટાઈટન્સ (GT)તરફથી રમતી વખતે 157.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. થોડા દિવસો પહેલા, કેપ્ટન શ્રેયસ અય્યરે પણ કહ્યું હતું કે તે ટીમ માટે એક મહત્ત્વપૂર્ણ બોલર છે કારણ કે તે હંમેશા 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે.
IPL 2025માં રમાયેલી 4 મેચોમાં, તેણે 68 બોલ ફેંક્યા છે, જેમાં તેણે 9.18ની ઈકોનોમીથી 104 રન આપ્યા છે. તેના નામે 5 વિકેટ છે. તેણે 2017થી IPLમાં 49 મેચો રમી છે, જેમાં તેણે 51 વિકેટ લીધી છે, તેનો શ્રેષ્ઠ સ્પેલ 28 રન આપીને 4 વિકેટ લેવાનો છે.
આજે PBKSનો મુકાબલો KKR સામે થશે
આજે શ્રેયસ અય્યર અને તેની ટીમ મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે KKR સામે રમશે. PBKS હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા નંબરે છે, તે 5 માંથી 2 મેચ હારી ચૂકી છે. જ્યારે KKR એ 6 માંથી 3 મેચ જીતી છે અને 3 હારનો સામનો કરવો પડ્યો છે, તે પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે.