
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની ટીમે IPL 2025માં પંજાબ કિંગ્સ (PBKS) ની ટીમ સામેની તેની પાછલી મેચની હારનો બદલો તેના ઘરઆંગણે 7 વિકેટથી હરાવીને લીધો હતો. આ મેચમાં PBKSને પહેલા બેટિંગ કરવાની તક મળી હતી, જેમાં શરૂઆતમાં વિકેટ ગુમાવવાને કારણે તે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 157 રન જ બનાવી શક્યું હતું. બીજી તરફ, RCB એ આ ટાર્ગેટ 18.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો, જેમાં વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે બેટિંગ દ્વારા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કોહલી અને પડિક્કલની પાર્ટનરશિપે RCBને જીત અપાવી
PBKS સામેની મેચમાં 158 રનનો ચેઝ કરવા ઉતરેલી RCBની શરૂઆત સારી નહતી રહી કારણ કે તેણે ફિલ સોલ્ટના રૂપમાં 6 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી, જે ફક્ત એક રન બનાવીને અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો. આ પછી, દેવદત્ત પડિક્કલ બેટિંગ કરવા આવ્યો અને કોહલીને સારો સાથ આપ્યો, જેમાં બંનેએ પ્રથમ 6 ઓવરમાં સ્કોર 54 રન સુધી પહોંચાડ્યો. કોહલી અને પડિક્કલે બીજી વિકેટ માટે 69 બોલમાં 103 રનની પાર્ટનરશિપ કરી, જેનાથી મેચ સંપૂર્ણપણે RCBના પક્ષમાં થઈ ગઈ.
પડિક્કલના બેટથી 35 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રનની શાનદાર ઈનિંગ જોવા મળી. બીજી તરફ, વિરાટ કોહલી અણનમ રહ્યો અને 54 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 73 રન બનાવીને ટીમને જીત તરફ દોરી ગયો. આ જીત સાથે, RCB ટીમ હવે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
RCBના 2 સ્પિનર PBKS પર ભારે પડ્યા
જો આપણે આ મેચમાં PBKSની ટીમના બેટિંગ પ્રદર્શન વિશે વાત કરીએ, તો ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ તેમના પ્રદર્શનથી સ્પષ્ટપણે નિરાશ કર્યા. પ્રિયાંશ આર્યએ 22 રનની ઈનિંગ રમી હતી, જ્યારે પ્રભસિમરન સિંહે 33 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય શ્રેયસ ય્ય્ર ફક્ત 6 રન જ બનાવી શક્યો. એક સમયે, PBKS એ માત્ર 114 રનના સ્કોરે પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં, શશાંક સિંહ અને માર્કો યાન્સન વચ્ચે 43 રનની પાર્ટનરશિપે PBKSના સ્કોરને 157 રન સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. RCB તરફથી કૃણાલ પંડ્યા અને સુયશ શર્માએ 2-2 વિકેટ લીધી જ્યારે રોમારિયો શેફર્ડ પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.