
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 9 વર્ષ પછી IPL ફાઈનલ રમવા માટે તૈયાર છે. તે આજે પંજાબ કિંગ્સ (PBKS) ની ટીમનો સામનો કરશે. આ દરમિયાન, RCBના એક સ્ટાર ખેલાડી સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. RCBનો આ ખેલાડી ફાઈનલ પહેલા પિતા બન્યો છે. આ ખેલાડી તાજેતરમાં જ તેના પહેલા બાળકના જન્મ માટે ભારત છોડીને ગયો હતો, ત્યારબાદ ફાઈનલ પહેલા તેની ઉપલબ્ધતા અંગે શંકાઓ હતી. પરંતુ હવે આ ખેલાડી પાછો ફર્યો છે અને ફાઈનલમાં રમવા માટે તૈયાર છે.
RCBનો આ ખેલાડી પિતા બન્યો
આ રોમાંચક મેચ પહેલા, RCB સ્ટાર બેટ્સમેન ફિલ સોલ્ટે પોતાના કમીટમેન્ટ અને જુસ્સાથી બધાનું દિલ જીતી લીધું છે. એક અહેવાલ મુજબ, સોલ્ટ તેના પહેલા બાળકના જન્મ માટે ઈંગ્લેન્ડ ગયો હતો અને આજે સવારે અમદાવાદ પાછો ફર્યો છે. તમને જણાવી દઈએ કે, તે 29 મેના રોજ ક્વોલિફાયર-1નો ભાગ હતો અને તે પછી પોતાના દેશ પાછો ફર્યો હતો. RCBના ટ્રેનિંગ સેશનમાં તેની ગેરહાજરીથી ફેન્સ ચિંતામાં હતા. પરંતુ, અમદાવાદમાં પાછા ફરવાના સમાચારથી RCBના ફેન્સમાં ખુશ થઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે, ફિલ સોલ્ટ આ સિઝનમાં RCBના સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક રહ્યો છે. તેણે 12 મેચમાં 175.90ની સ્ટ્રાઇક રેટ અને 35.18ની એવરેજ સાથે 387 રન બનાવ્યા છે. ક્વોલિફાયર-1માં PBKS સામે 27 બોલમાં અણનમ 56 રનની તેની તોફાની ઈનિંગે RCBને 10 ઓવરમાં 102 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં મદદ કરી હતી. આ ઈનિંગમાં તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
RCBને ફિલ સોલ્ટની જરૂર છે
સોલ્ટની આક્રમક બેટિંગે આ સિઝનમાં ઘણી મેચોમાં RCBને મજબૂત શરૂઆત આપી છે. તેની અને વિરાટ કોહલીની ઓપનિંગ જોડીએ પ્રતિ ઓવર 10.29ની રન રેટથી રન બનાવ્યા, જે આ સિઝનમાં કોઈપણ ટીમની ઓપનિંગ જોડીમાં ત્રીજી સૌથી ઝડપી રન રેટ છે. સોલ્ટે 220 બોલમાંથી 124 પર બાઉન્ડ્રી ફટકારવાનો પ્રયાસ કર્યો, જે તેની આક્રમક શૈલી દર્શાવે છે. આવી સ્થિતિમાં, સોલ્ટની વાપસી RCBને ફાઈનલમાં માનસિક ફાયદો અપાવી શકે છે.