
આજે (3 જૂન) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે IPL 2025ની ફાઈનલ રમાશે. RCB એ ક્વોલિફાયર-1માં PBKSને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે PBKS એ ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને હરાવીને ફાઈનલમાં જગ્યા મેળવી છે. બંને ટીમોની નજર 18 વર્ષના દુષ્કાળનો અંત લાવવા અને પ્રથમ ટ્રોફી જીતવા પર છે. આ મેચમાં, RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.
કિંગ કોહલીના નામ સાથે જોડાય શકે છે વધુ એક 'વિરાટ' રેકોર્ડ
RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી IPL 2025ની ફાઈનલમાં ઈતિહાસ રચવાની કગાર પર છે. RCB ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે અને આ મેચમાં કિંગ કોહલી પાસે એમએસ ધોનીના ક્લબમાં જોડાવાની તક છે. તમને જણાવી દઈએ કે દરેક સિઝનની જેમ, વિરાટ આ સિઝનમાં પણ RCB માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે.
અત્યાર સુધી તેણે 14 મેચમાં 55.82ની એવરેજ અને 146.54ની સ્ટ્રાઇક રેટથી 614 રન બનાવ્યા છે. કોહલી IPL 2025ના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં પાંચમા ક્રમે છે. જો RCBની ટીમ IPLનું ટાઈટલ જીતે છે, તો વિરાટ કોહલી એક ખાસ ક્લબમાં જોડાશે, જેમાં ભારત તરફથી ફક્ત એમએસ ધોનીનું નામ છે.
ધોની પછી આ સ્થાન પ્રાપ્ત કરવાની સુવર્ણ તક
ધોની એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે T20 વર્લ્ડ કપ (2007), ODI વર્લ્ડ કપ (2011), ચેમ્પિયન્સ ટ્રોફી (2013), અને IPL (2010, 2011, 2018, 2021 અને 2023) જીત્યા છે. જો વિરાટ કોહલી આ વર્ષે IPL ટ્રોફી જીતે છે, તો તે બધા ખિતાબ જીતનાર માત્ર બીજો ભારતીય ખેલાડી બનશે.
કોહલી ODI વર્લ્ડ કપ (2011), T20 વર્લ્ડ કપ (2024) અને ચેમ્પિયન્સ ટ્રોફી (2013 અને 2025) ની વિજેતા ટીમનો ભાગ રહ્યો છે. જો RCBની ટીમ IPL ટ્રોફીના દુષ્કાળનો અંત લાવવામાં સફળ રહે છે, તો કિંગ કોહલી ચોક્કસપણે ધોનીના ખાસ ક્લબમાં જોડાશે.