
IPL 2025નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સિઝનની ટાઈટલ મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. જે પણ ટીમ આ મેચ જીતે IPL ફેન્સને નવી વિજેતા ટીમ મળશે તે નક્કી છે. ટાઈટલ મેચ પહેલા, અમે તમને એક ગજબના સંયોગ વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
શ્રેયસ-પાટીદાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઈનલમાં ટકરાયા હતા
RCB અને PBKS IPLની બે એવી ટીમો છે જેણે અત્યાર સુધી એક પણ IPL ટાઈટલ નથી જીત્યું. બંને ટીમો તેના પ્રથમ ટાઈટલની રાહ જોઈ રહી છે. PBKSનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરી રહ્યો છે જ્યારે RCBનું નેતૃત્વ રજત પાટીદાર કરી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે બંને કેપ્ટન સાત મહિનાની અંદર બીજી વખત ફાઈનલમાં ટકરાશે. આ પહેલા, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની ફાઈનલમાં બંને કેપ્ટનો ટકરાયા હતા.
શ્રેયસે મુંબઈને જીત અપાવી હતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની ટાઈટલ મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં રમાઈ હતી. 15 ડિસેમ્બરે રમાયેલી મેચમાં, શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ, મુંબઈની ટીમે રજત પાટીદારની આગેવાની હેઠળની મધ્યપ્રદેશની ટીમને પાંચ વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, મુંબઈએ ટોસ જીતીને મધ્યપ્રદેશને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. રજત પાટીદારની અડધી સદીને કારણે, ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં, સૂર્યકુમાર યાદવની 48 રનની શાનદાર ઈનિંગની મદદથી મુંબઈએ 17.5 ઓવરમાં પાંચ વિકેટે 180 રન બનાવ્યા અને મેચ જીતી લીધી.
આ વખતે નવી ચેમ્પિયન ટીમ મળશે
હવે બંને કેપ્ટન IPL 2025ની ફાઈનલમાં એકબીજાનો સામનો કરશે. RCB એ ક્વોલિફાયર-1 મેચમાં PBKSને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે PBKS એ એલિમિનેટરના વિજેતા MIને ક્વોલિફાયર-2માં હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. PBKS અને RCBની ટીમો અત્યાર સુધી ક્યારેય IPL ટ્રોફી નથી જીતી, તેથી હવે ટૂર્નામેન્ટને નવી ચેમ્પિયન ટીમ મળશે તે નિશ્ચિત છે. 18મી સિઝનની ટાઈટલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.