
IPLમાં લાંબા છગ્ગા ફટકારવાની પ્રથાને ધ્યાનમાં રાખીને, મેદાન પરના અમ્પાયરે પરંપરા તોડીને, બેટ્સમેનના બેટની સાઈઝની રેન્ડમ તપાસ શરૂ કરી દીધી છે. બેટ ચેકિંગનો હેતુ બેટ્સમેનોને અન્યાયી ફાયદો મેળવવાથી રોકવાનો છે. બેટ ચેકિંગ એક જાણીતી પ્રક્રિયા છે, પરંતુ ગઈ સીઝન સુધી તે ફક્ત ડ્રેસિંગ રૂમની અંદર જ મર્યાદિત હતી, પરંતુ IPLમાં બેટ્સમેન દ્વારા રમવામાં આવતા લાંબા અને મોટા સ્ટ્રોકને ધ્યાનમાં રાખીને, BCCI એ વધુ સતર્ક રહેવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, બોર્ડે ફિલ્ડ અમ્પાયરને લાઈવ મેચ દરમિયાન બેટ્સમેનોના બેટ તપાસવાનો અધિકાર આપ્યો છે. જો મેચ દરમિયાન અમ્પાયરને લાગે કે બેટ્સમેનનું બેટ નિર્ધારિત કદ કરતાં વધુ જાડું છે, તો તેઓ મેચની વચ્ચે જ તેનું બેટ ચેક કરી શકે છે.
બેટની સાઈઝ બેટ ગેજથી માપવામાં આવે છે
100થી વધુ IPL મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂકેલા એક ભૂતપૂર્વ અમ્પાયરે જણાવ્યું હતું કે અમ્પાયર તેમની પાસે નિર્ધારિત બેટની સાઈઝનો બેટ ગેજ રાખે છે. જો બેટ આ ગેજમાંથી પસાર થાય તો કોઈ સમસ્યા નથી, જો બેટ તેમાંથી પસાર ન થાય તો તેનો અર્થ એ છે કે બેટની બ્લેડ નિર્ધારિત પહોળાઈ કરતા પહોળી છે. નિયમો અનુસાર, બેટના મધ્ય ભાગની પહોળાઈ 2.64 ઈંચથી વધુ ન હોવી જોઈએ.
સોલ્ટ અને હાર્દિકના બેટ ચેક કરાયા
મેદાન પરના અમ્પાયરે અત્યાર સુધી હેટમાયર, ફિલ સોલ્ટ અને હાર્દિક પંડ્યાના બેટની સાઈઝ ચેક કરી છે. તેમના બેટ નિર્ધારિત મર્યાદામાં મળી આવ્યા હતા. જોકે, BCCi હજુ પણ એ અંગે મૌન છે કે શું કોઈ બેટ્સમેનનું બેટ નિર્ધારિત મર્યાદા કરતા વધુ પહોળું જોવા મળ્યું હતું, જેના કારણે તેમને મેદાન પર આ ચેકિંગ શરુ કરવાની ફરજ પડી હતી.