
ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakraborty) એ ICCના નિયમો સામે અવાજ ઉઠાવ્યો છે. તેનું માનવું છે કે વિકેટકીપર દ્વારા કરવામાં આવેલી ભૂલની સજા બોલરને શા માટે મળવી જોઈએ. વરુણ ચક્રવર્તીએ આ મુદ્દો ઉઠાવ્યો છે, જેમાં વિકેટકીપરના ગ્લોવ્સ સ્ટમ્પની બહાર જાય છે, તો બોલને 'નો બોલ' જાહેર કરવામાં આવે છે. વરુણ ચક્રવર્તી (Varun Chakraborty) એ આ નિયમ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે આવા નિયમોમાં ફેરફાર થવો જોઈએ.
મામલો એ છે કે 17 એપ્રિલ, ગુરુવારના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી MI અને SRH વચ્ચેની મેચ દરમિયાન, મુંબઈના ઓપનર રિયન રિકેલટનને SRHના સ્પિનર ઝીશાન અંસારીની બોલિંગમાં પેટ કમિન્સ દ્વારા કેચ આઉટ કરવામાં આવ્યો હતો. તે પેવેલિયન પાછો ફર્યો હતો, પરંતુ બાઉન્ડ્રી ક્રોસ કરવા છતાં,ફોર્થ અમ્પાયરે તેને અટકાવ્યો કારણ કે થર્ડ અમ્પાયર વિકેટકીપરના ગ્લોવ્સ ચેક કરી રહ્યો હતો.
થર્ડ અમ્પાયરે જોયું કે એક ક્ષણ એવી હતી જ્યારે વિકેટકીપર હેનરિક ક્લાસેનના ગ્લોવ્સ સ્ટમ્પની આગળ હતા. ICC અને IPLના નિયમો અનુસાર, આ બોલ 'નો બોલ' હતો. આ અંગે વરુણ ચક્રવર્તીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "જો કીપરના ગ્લોવ્સ સ્ટમ્પની આગળ આવે છે, તો તે ડેડ બોલ હોવો જોઈએ અને કીપર માટે ચેતવણી આપવી જોઈએ કે તે ફરીથી આવું ન કરે. નો બોલ અને ફ્રી હિટ નહીં. આમાં બોલરની શું ભૂલ છે? હું આ વિશે ઘણું વિચારી રહ્યો છું. તમે બધા શું વિચારો છો?"
https://twitter.com/chakaravarthy29/status/1912911443558801752
વરુણ ચક્રવર્તીએ સાચો મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે આમાં બોલરની કોઈ ભૂલ નથી. છતાં તેના ખાતામાં એક નો બોલ ઉમેરવામાં આવે છે અને પછીના બોલ પર ફ્રી હિટ આપવામાં આવે છે, ભલે બોલરનો આમાં કોઈ વાંક ન હોય. ભલે બોલ હેનરિક ક્લાસેન સુધી ન પહોંચ્યો, લો 27.3.1 એ જ ખે છે કે જ્યારે બોલ રમતમાં આવે ત્યારે વિકેટકીપર સંપૂર્ણપણે સ્ટમ્પની પાછળ હોવો જોઈએ. ક્લાસેને આ ભૂલ કરી અને બેટ્સમેન નોટઆઉટ રહ્યો.