
BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) એપ્રિલ, 2025માં તેની વાર્ષિક રિટેનરશિપની જાહેરાત કરી શકે છે, તેવા સમાચાર આવ્યા છે. નવા કોન્ટ્રાક્ટમાં અમુક મહત્ત્વના ફેરફારો થઈ શકે છે, જેમાંથી એક શ્રેયસ અય્યરની વાપસી પણ છે. IPLમાં પંજાબ કિંગ્સના કેપ્ટન અય્યરને ગયા વર્ષે એકથી વધુ વિવાદોને કારણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સહિતની ટૂર્નામેન્ટ્સમાં તેનું વર્તમાન ફોર્મ જોતા તેનો કમબેક અપેક્ષિત છે.
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ શું છે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ એ વાર્ષિક રિટેનરશિપ સિસ્ટમ છે, જેમાં ભારતના સિનીયર પુરૂષ ક્રિકેટરોને તેમના પ્રદર્શન અને યોગદાનના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે અને તે પ્રમાણે તેમને સેલેરી આપવામાં આવે છે. આ સિસ્ટમમાં ખેલાડીઓને ચાર ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જે છે A+, A, B અને C. ગયા વર્ષે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કુલ 30 ખેલાડીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવવામાં આવ્યા હતા.
ખેલાડીઓને ક્યા પ્રકારના લાભ મળે છે?
BCCIના આ કોન્ટ્રાક્ટ હેઠળના ખેલાડીઓની સંભાળ બોર્ડ દ્વારા લેવામાં આવે છે અને તેમને નીચે મુજબના લાભ મળે છે.
- સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળનો કોઈપણ ખેલાડી નેશનલ ક્રિકેટ એકેડમીમાં વિના મૂલ્યે તેની સારવાર કરાવી શકે છે.
- ખેલાડીને મુસાફરી ભથ્થું મળે છે.
- બેંગલુરુના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’માં ખેલાડીને વિશ્વકક્ષાની તાલીમ સુવિધાઓ મળે છે.
કયા ગ્રેડના ખેલાડીઓને કેટલા રૂપિયા મળે છે?
આ કોન્ટ્રાક્ટ હેઠળ સમાવાયેલા ખેલાડીઓ પૈકીના A+ ગ્રેડના ખેલાડીને 7 કરોડ રૂપિયા, A ગ્રેડના ખેલાડીને 5 કરોડ રૂપિયા, B ગ્રેડના ખેલાડીને 3 કરોડ રૂપિયા અને C ગ્રેડના ખેલાડીને 1 કરોડ રૂપિયા મળે છે.
પ્રત્યેક મેચ દીઠ ફી મળે છે
BCCI ટેસ્ટ મેચ માટે ખેલાડીને 15 લાખ રૂપિયા, ODI માટે 6 લાખ રૂપિયા અને T20I માટે 3 લાખ રૂપિયા આપે છે.
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટેની પાત્રતા
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એવા ખેલાડીઓને સામેલ કરવામાં આવે છે, જેમણે 3 ટેસ્ટ મેચ અથવા 8 ODI અથવા 10 T20Iમાં ભાગ લીધો હોય. 3 પૈકી એક માપદંડને પૂર્ણ કરનાર પણ આ કોન્ટ્રાક્ટમાં પુનઃસમાવિષ્ટ થવાને પાત્ર થઈ જાય છે.
2023-24માં કયા ગ્રેડમાં કયા ખેલાડીઓ હતા?
વર્ષ 2023-24માં ગ્રેડ A+માં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સામેલ હતા.
ગ્રેડ Aમાં રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, કે.એલ. રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા સામેલ હતા.
ગ્રેડ Bમાં સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ સામેલ હતા.
ગ્રેડ Cમાં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કે.એસ. ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ સામેલ હતા.