
બીજા દિવસની રમતના અંત સુધીમાં, ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ પ્રથમ ઈનિંગમાં 262 રન પાછળ છે. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે બીજા દિવસે ત્રણેય વિકેટ લીધી હતી. બેન ડકેટે 62 રન બનાવ્યા હતા, જ્યારે ઓલી પોપ હજુ પણ 100 રન બનાવીને અણનમ છે.
બીજા દિવસે, ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાને 359 રનથી પોતાનો સ્કોર આગળ લઈ વધાર્યો હતો. શુભમન ગિલે પહેલા દિવસે જ પોતાની સદી પૂરી કરી હતી, જ્યારે રિષભ પંતે બીજા દિવસે પોતાની ટેસ્ટ કારકિર્દીની સાતમી સદી ફટકારી હતી. આ સાથે, પંત એમએસ ધોનીને પાછળ છોડીને ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે. કરુણ નાયર લગભગ 8 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે, પરંતુ તે પહેલી ઈનિંગમાં ખાતું પણ ન ખોલી શક્યો.
એક સમયે ટીમ ઈન્ડિયા 3 વિકેટ ગુમાવીને 430 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ વિકેટો પડવાની શરૂ થઈ અને ટીમ ઈન્ડિયાએ 41 રનની અંદર જ બાકીની 7 વિકેટ ગુમાવી દીધી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સિવાય, જોશ ટોંગે પોતાની બોલિંગથી તબાહી મચાવી દીધી. સ્ટોક્સ અને ટોંગે બંનેએ ચાર-ચાર વિકેટ લીધી.
જસપ્રીત બુમરાહ ચમક્યો, બાકીના બોલરો ફ્લોપ રહ્યા
ઈંગ્લેન્ડ સામે ભારતે પ્રથમ ઈનિંગમાં 471 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા આવી ત્યારે જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાને પહેલી જ ઓવરમાં પહેલી સફળતા અપાવી. ઝેક ક્રોલી માત્ર 4 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. તે પછી, બેન ડકેટ અને ઓલી પોપ વચ્ચે 122 રનની પાર્ટનરશિપ થઈ હતી. 28મી ઓવરમાં, બુમરાહે ટીમ ઈન્ડિયાને સફળતા અપાવી, તેણે ડકેટને 62 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો.
જસપ્રીત બુમરાહે 2 વધુ તકો બનાવી, પરંતુ યશસ્વી જયસ્વાલ અને રવિન્દ્ર જાડેજાએ તેના બોલ પર એક-એક કેચ છોડ્યો. પ્રસિદ્ધ કૃષ્ણા ખૂબ મોંઘો સાબિત થયો, બીજી તરફ મોહમ્મદ સિરાજે કેટલીક તકો બનાવી, પરંતુ કોઈ વિકેટ ન લઈ શક્યો. બુમરાહે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય વિકેટ લીધી હતી.