
IPL 2025 પૂરી થયા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે, જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ નથી થઈ. ટીમને ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની અંડર 19 ટીમ જાહેર કરવામાં આવી છે. આ પ્રવાસ પર, ભારતીય ટીમ 24 જૂનથી 23 જુલાઈ સુધી એક વોર્મ-અપ, પાંચ વનડે અને બે મલ્ટી-ડે મેચ રમશે. આ પ્રવાસ માટે 17 વર્ષીય આયુષ મ્હાત્રેને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવ અને આયુષ બંનેએ IPLમાં ધૂમ મચાવી છે.
BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે આ ટીમનો ઉપ-કપ્તાન અભિજ્ઞાન કુંડુને બનાવવામાં આવ્યો છે, જે વિકેટકીપર પણ છે. જ્યારે હરવંશ સિંહ બીજા વિકેટકીપર તરીકે ટીમમાં રહેશે. આ ઉપરાંત, BCCI દ્વારા સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં અલંકૃત રાપોલને વધુ એક વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
આયુષ અને વૈભવે IPLમાં તબાહી મચાવી
આયુષ અને વૈભવ બંનેએ IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આયુષે IPL 2025ની 6 મેચોમાં 206 રન બનાવ્યા હતા. જેમાં તેની એવરેજ 34.33 અને સ્ટ્રાઇક રેટ 187.27 છે. જ્યારે વૈભવ સૂર્યવંશીએ 7 મેચમાં 252 રન બનાવ્યા હતા અને તેની એવરેજ 36 અને સ્ટ્રાઇક રેટ 206.55 હતી.
બંને વચ્ચે બીજો એક મજબૂત સંબંધ છે. તે બંને ભારતીય ક્રિકેટ ટીમ માટે અંડર 19 ક્રિકેટમાં પણ રમી ચૂક્યા છે. ગયા વર્ષે, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર 19 એશિયા કપમાં રમી હતી, ત્યારે બંને ખેલાડીઓએ ઓપનિંગ કરી હતી.
સૂર્યવંશીએ ગયા વર્ષે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા અંડર 19 સામેની પ્રથમ યુથ ટેસ્ટમાં સદી ફટકારી હતી. બીજી તરફ, 17 વર્ષીય મ્હાત્રેએ 9 ફર્સ્ટ ક્લાસ મેચ અને 7 લિસ્ટ-એ મેચ રમી છે. આ ઓપનરે આ સિઝનના મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું સ્થાન લીધું હતું, જે કોણીની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો.
મુંબઈના વિકેટકીપર-બેટ્સમેન અભિજ્ઞાન કુંડુને મ્હાત્રેના સ્થાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી રસપ્રદ પસંદગી કેરળના લેગ-સ્પિનર મોહમ્મદ અનાનની છે, જેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા અંડર 19 સામે સારું પ્રદર્શન કર્યું હતું.
અન્નાને ઓસ્ટ્રેલિયન ટીમ સામેની બે યુથ ટેસ્ટમાં 16 વિકેટ લીધી હતી અને તે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. પંજાબના ઓફ સ્પિનર અનમોલજીત સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજસિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનીલ પટેલ, યુધજીત ગુહા, પ્રણવ રાઘવેન્દ્ર, મોહમ્મદ અનાન, આદિત્ય રાણા, અનમોલજીત સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: નમન પુષ્પક, ડી દિપેશ, વેદાંત ત્રિવેદી, વિકલ્પ તિવારી, અલંકૃત રાપોલ (વિકેટકીપર).
ભારતીય અંડર 19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ
- 24 જૂન: વોર્મ-અપ મેચ - લોફબોરો યુનિવર્સિટી
- 27 જૂન: પહેલી વનડે - હોવ
- 30 જૂન: બીજી વનડે - નોર્થમ્પ્ટન
- 2 જુલાઈ: ત્રીજી વનડે - નોર્થમ્પ્ટન
- 5 જુલાઈ: ચોથી વનડે - વોર્સેસ્ટર
- 7 જુલાઈ: ૫મી વનડે - વોર્સેસ્ટર
- 12-15 જુલાઈ: પ્રથમ મલ્ટી-ડે મેચ - બેકેનહામ
- 20-23 જુલાઈ: બીજી મલ્ટી-ડે મેચ - ચેમ્સફોર્ડ