
ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસ 20 જૂનથી શરૂ થશે, જેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. BCCI એ આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ટીમ ઈન્ડિયાનો આ પહેલો મોટો પ્રવાસ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની સાથે નવા ટેસ્ટ કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે.
શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ગિલ ભારતીય ટીમનો 37મો ટેસ્ટ કેપ્ટન બન્યો છે. 25 વર્ષીય ગિલ ભારતીય ટીમના પાંચમો સૌથી યુવા ટેસ્ટ કેપ્ટન છે. ગિલ સામે હવે ઈંગ્લેન્ડની ધરતી પર માત્ર બેટથી જ નહીં પરંતુ કેપ્ટનશિપ સાથે પણ સારું પ્રદર્શન કરવાનો મુશ્કેલ પડકાર રહેશે. અર્શદીપ સિંહને પહેલીવાર ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરનાર ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે સાઈ સુદર્શન અને કરુણ નાયરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સુદર્શનને IPL 2025માં ગુજરાત ટાઈટન્સ માટે તેની શાનદાર બેટિંગ માટે ઈનામ મળ્યું છે. કરુણ નાયર 8 વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. તેણે રણજી ટ્રોફી 2024-25માં વિદર્ભ તરફથી રમતા 863 રન બનાવ્યા હતા. આ જ કારણ છે કે હવે તેને લાંબા સમય પછી તક આપી છે.
ઈંગ્લેન્ડમાં, જસપ્રીત બુમરાહ બોલિંગમાં પેસ એટેકનું નેતૃત્વ કરતો જોવા મળશે. બુમરાહને સપોર્ટ આપવા માટે અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ જેવા પેસર પણ હાજર રહેશે. સ્પિન બોલિંગની જવાબદારી કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાના ખભા પર રહેશે. નોંધનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ લીડ્સમાં રમાશે. આ સાથે, 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલ શરૂ થશે.
ઈંગ્લેન્ડ ટૂર માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર/વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
- પહેલી ટેસ્ટ - 20-24 જૂન, હેડિંગ્લી
- બીજી ટેસ્ટ મેચ - 2-6 જુલાઈ, એજબેસ્ટન
- ત્રીજી ટેસ્ટ - 10-14 જુલાઈ, લોર્ડ્સ
- ચોથી ટેસ્ટ મેચ - 23-27 જુલાઈ, માન્ચેસ્ટર
- પાંચમી ટેસ્ટ - 31 જુલાઈથી 4 ઓગસ્ટ, કેનિંગ્ટન ઓવલ