
થોડા સમય પહેલા જ ભારતના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હવે વિશ્વ ક્રિકેટના વધુ એક દિગ્ગજ ખેલાડી ટેસ્ટને અલવિદા કહી દીધું છે. આ ખેલાડી છે શ્રીલંકાનો એન્જેલો મેથ્યુઝ. મેથ્યુઝે શુક્રવારે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. ૩37 વર્ષીય ખેલાડીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જૂનમાં ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાનારી મેચ તેની છેલ્લી ટેસ્ટ હશે.
મેથ્યુઝે કોહલી અને રોહિત પહેલા ટેસ્ટ રમવાનું શરૂ કર્યું હતું. તેણે 2009માં ગોલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તે શ્રીલંકા તરફથી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીમાં ત્રીજા સ્થાને છે. તેનાથી આગળ ફક્ત કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધને છે.
"અલવિદા કહેવાનો સમય આવી ગયો છે"
મેથ્યુઝે પોતાના નિવેદનમાં કહ્યું કે આ તેના માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. મેથ્યુઝે કહ્યું, "ભારે હૃદય અને ઘણી અવિસ્મરણીય યાદો સાથે, મારા માટે મારા સૌથી પ્રિય ફોર્મેટ - આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. છેલ્લા 17 વર્ષથી શ્રીલંકા માટે ટેસ્ટ ક્રિકેટ રમવું એ એક સન્માનની વાત રહી છે. કોઇપણ વસ્તુ દેશની જર્સીમાં રમવાની અનુભૂતિની બરાબર નથી. મેં મારું સર્વસ્વ ક્રિકેટને આપ્યું છે અને બદલામાં ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે."
આવી હતી કારકિર્દી
મેથ્યુઝે શ્રીલંકા માટે 118 ટેસ્ટ રમી છે, જેમાં 44.62ની એવરેજથી 16 સદી અને 45 અડધી સદી સાથે 8,167 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 200 રન છે જે તેણે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ઝિમ્બાબ્વે સામે બનાવ્યો હતો.