
IPL 2025 પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે, જ્યાં ટીમ ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ સિરીઝ પહેલા જ ભારતના બે સિનીયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આવી સ્થિતિમાં હવે ભારતીય ટીમને રોહિત શર્માની જગ્યાએ નવો કેપ્ટન મળશે. શુભમન ગિલ અપેક્ષા મુજબ, ભારતીય રેડ-બોલ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છે. 25 વર્ષીય પંજાબનો બેટ્સમેન, વનડેમાં રોહિત શર્માનો વાઈસ કેપ્ટન છે, તે હવે જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે. શનિવારે (24 મે) ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત થશે. ચાલો જાણીએ આ સિવાય ટીમમાં બીજા ક્યા ખેલાડીને સ્થાન મળશે તેના વિશે.
બે નવા નામો સિવાય, ટીમમાં લગભગ એ જ નામો હશે જેમણે નવેમ્બર-જાન્યુઆરીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. રમતના સૌથી લાંબા ફોર્મેટમાંથી તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરનારા બે સિનીયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ખોટ સાલશે.
સાઈ સુદર્શન અને કરુણ નાયરને સ્થાન મળશે?
ગઈ ડોમેસ્ટિક સિઝનમાં સારું પ્રદર્શન કરનારા સાઈ સુદર્શન અને કરુણ નાયરને ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. કરુણ નાયરે ડોમેસ્ટિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે નવ રણજી ટ્રોફી મેચમાં ચાર સદી સાથે 863 રન અને આઠ વિજય હજારે ટ્રોફી ઈનિંગ્સમાં પાંચ સદી સાથે 779 રન બનાવ્યા હતા.
રાજ્યની ટીમને રણજી ટ્રોફી ગૌરવ અપાવનાર અને વિજય હજારે ટ્રોફીમાં બીજા સ્થાને પહોંચાડનાર વિદર્ભના આ બેટ્સમેનને પહેલાથી જ ઈન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જે બે દિવસમાં ઈંગ્લેન્ડ જવા રવાના થશે. હવે તેને સિનિયર ટીમમાં પણ સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
બીજી તરફ સાઈ સુદર્શન, જે હાલમાં 638 રન સાથે IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, તેને પણ ટીમ સ્થાન મળે તેવી અપેક્ષા છે. ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી મેચ માટે ઈન્ડિયા A ટીમમાં તેની પસંદગી થઈ છે, તેને સિનિયર ટીમમાં પણ સામેલ કરવાની વ્યાપકપણે ચર્ચા છે. તમિલનાડુના આ લેફટી બેટ્સમેનની તેની સારી ટેકનિક અને શાંત સ્વભાવ માટે ઘણી પ્રશંસા કરવામાં આવી છે.
કેએલ રાહુલ ઓપનિંગ કરશે?
ચાલુ IPLમાં શુભમન ગિલ સાથે સફળ ઓપનિંગ પાર્ટનરશિપ કરનાર સુદર્શન ઈંગ્લેન્ડમાં ઓપનિંગ કરે તેવી શક્યતા ઓછી છે. એવું માનવામાં આવે છે કે હેડ કોચ ગૌતમ ગંભીરે કેએલ રાહુલને અનૌપચારિક રીતે સંકેત આપ્યો છે કે તેને ઓપનિંગ કરવાની જરૂર પડશે. જો આ યોજના સફળ રહેશે, તો રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઈનિંગ ઓપન કરશે, ગિલ નંબર 4 પર જશે તેવી શક્યતા છે. તેનાથી સુદર્શન અથવા નાયર જેવા કોઈ બેટ્સમેન માટે નંબર 3નો સ્લોટ ખુલી શકે છે.
રોહિત અને કોહલી જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સે ચેતેશ્વર પૂજારાને સ્થાન આપવું જોઈએ તેવી ચર્ચા થઈ રહી હતી. પરંતુ એવી છાપ પડી રહી છે કે સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ પાછળ ફરીને જોવાના મૂડમાં નથી. ટીમમાં સરફરાઝ ખાન માટે જગ્યા હોઈ શકે છે પરંતુ દેવદત્ત પડિક્કલ, જે BGT ટીમનો ભાગ હતો, હજુ સુધી સંપૂર્ણપણે ફિટ નથી.
મોહમ્મદ શમીને બાકાત રાખવામાં આવી શકે છે, આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ અને હર્ષિત રાણા હશે, આ સિવાય રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સ્પિનરો હશે, જેઓ ઓલરાઉન્ડર તરીકે પણ સારું પ્રદર્શન કરી શકે છે. નીતિશ કુમાર રેડ્ડી અને શાર્દુલ ઠાકુરને પણ સ્થાન મળી શકે છે. બે વિકેટકીપર રિષભ પંત અને ધ્રુવ જુરેલ હશે અને એકમાત્ર સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે કુલદીપ યાદવ હોઈ શકે છે.
ઈંગ્લેન્ડ ટૂર માટે ભારતની સંભવિત ટીમ
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, સાઈ સુદર્શન, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી, રિષભ પંત, ધ્રુવ જુરેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, હર્ષિત રાણા, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ.