
લીડ્સના મેદાન પર જસપ્રીત બુમરાહનો જાદુ ચાલ્યો હતો. જસ્સી ફરી એકવાર ઈંગ્લેન્ડના બેટ્સમેન માટે મોટો ખતરો સાબિત થયો. બુમરાહે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડનો બેટિંગ ઓર્ડર બુમરાહ સામે ખરાબ રીતે સંઘર્ષ કરતો જોવા મળ્યો. શાનદાર સ્પેલ પછી, બુમરાહએ તેના વર્કલોડ મેનેજમેન્ટ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું કે જ્યાં સુધી ભગવાન લખે છે ત્યાં સુધી તે રમશે અને લોકોનું તો કમાં છે બોલવું.
વર્કલોડ પર બુમરાહે શું કહ્યું?
ત્રીજા દિવસની રમતના અંત પછી, જ્યારે જસપ્રીત બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, "લોકો વાતો કરતા રહેશે. હવે તે જશે, હવે તે જશે. હું 10-12 વર્ષથી રમી રહ્યો છું. હું IPL રમું છું. જ્યાં સુધી ભગવાને લખ્યું છે ત્યાં સુધી હું રમીશ. હું ઓરાને કંટ્રોલ નથી કરી શકતો. હું ફક્ત મારી તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું છું."
ટેસ્ટના ત્રીજા દિવસે બુમરાહની બોલિંગ પર ચાર કેચ છૂટ્યા હતા. જ્યારે જસપ્રીતને ભારતીય ફિલ્ડરોના નબળા પ્રદર્શન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તે ફિલ્ડરોનો બચાવ કરતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું, "કેચ છોડવા એ રમતનો એક ભાગ છે. કોઈપણ આ જાણી જોઈને નથી કરતું. ખેલાડી અનુભવમાંથી શીખે છે."
બુમરાહે લીધી 5 વિકેટ
જસપ્રીત બુમરાહે લીડ્સના મેદાન પર શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહની શાનદાર બોલિંગને કારણે ભારતીય ટીમ ઈંગ્લેન્ડને 465 રન સુધી મર્યાદિત રાખવામાં સફળ રહી. બુમરાહએ પોતાના સ્પેલમાં જેક ક્રોલી, બેન ડકેટ, જો રૂટ, ક્રિસ વોક્સ અને જોશ ટંગને પવેલિયન મોકલ્યા હતા. વિદેશી ધરતી પર સૌથી વધુ વખત 5 વિકેટ લેવાના મામલે બુમરાહ કપિલ દેવની બરાબરી કરી ચૂક્યો છે. બુમરાહે અત્યાર સુધી 12 વખત ઘરની બહાર રમતી વખતે એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. કપિલ દેવે 66 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે બુમરાહે ફક્ત 34 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.