
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સ ટેસ્ટના પહેલા બે દિવસ ખૂબ જ રોમાંચક રહ્યા હતા. બંને ટીમોએ વારાફરતી મેચ પર પ્રભુત્વ જમાવ્યું. ટીમ ઈન્ડિયાએ મેચના પહેલા જ દિવસે ઈંગ્લેન્ડ પર દબાણ બનાવ્યું હતું અને તેનું કારણ ભારતીય બેટ્સમેનોનું મજબૂત પ્રદર્શન હતું. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે આમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે ઓસ્ટ્રેલિયા પછી ઈંગ્લેન્ડમાં પણ સદી ફટકારી હતી. પરંતુ પ્રથમ દિવસના સ્ટાર રહેલા જયસ્વાલે બીજા દિવસે કંઈક એવું કર્યું, જેના કારણે તેને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરની નારાજગીનો સામનો કરવો પડ્યો.
લીડ્સ ટેસ્ટના બીજા દિવસે, ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ 471 રન પર સમેટાઈ ગઈ હતી, આ પછી ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ થઈ. ઈંગ્લેન્ડે પણ જોરદાર રીતે જવાબ આપ્યો અને બીજા દિવસની રમતના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા. ઓલી પોપે ઈંગ્લેન્ડ માટે શાનદાર સદી ફટકારી અને બીજા દિવસે અણનમ પરત ફર્યો. જ્યારે ઓપનર બેન ડકેટે પણ 62 રનની ઝડપી ઈનિંગ રમી હતી. આ સમય દરમિયાન, જસપ્રીત બુમરાહ સિવાય, ટીમ ઈન્ડિયાનો બીજો કોઈ બોલર પ્રભાવ ન પાડી શક્યો. બીજી તરફ ભારતે ફિલ્ડીંગના મામલે ફેન્સને નિરાશ કર્યા હતા.
જયસ્વાલ એક પણ કેચ ન ઝડપી શક્યો
મેચના બીજા દિવસે, જ્યારે જસપ્રીત બુમરાહએ ત્રણેય વિકેટ લીધી, ત્યારે તેના બોલ પર 3 કેચ છૂટ્યા પણ હતા. આ કેચમાંથી બે બેન ડકેટ અને એક ઓલી પોપનો હતો. આ બંને બેટ્સમેનોએ મોટી ઇનિંગ રમી. કેચ છોડવાની ભૂલો ટીમના બે શ્રેષ્ઠ ફિલ્ડરો, રવિન્દ્ર જાડેજા અને યશસ્વી જયસ્વાલ દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને જયસ્વાલે બે કેચ છોડ્યા અને સુનિલ ગાવસ્કર તેની બેદરકારીથી ખૂબ ગુસ્સે દેખાતા હતા.
બીજા દિવસની રમત પૂરી થયા પછી, ગાવસ્કરે કહ્યું, "મને નથી લાગતું કે આ વખતે કોઈપણ ખેલાડીને ફિલ્ડિંગ મેડલ આપવામાં આવશે. (ફિલ્ડિંગ કોચ) ટી દિલીપ દરેક મેચ પછી આવો એક મેડલ આપે છે. પરંતુ આ વખતે ફિલ્ડિંગ ખૂબ જ નિરાશાજનક રહી. યશસ્વી જયસ્વાલ એક શ્રેષ્ઠ ફિલ્ડર છે પરંતુ તે એકપણ કેચ નથી ઝડપી શક્યો."
ઈંગ્લેન્ડને ફાયદો મળ્યો
ગુસ્સાની સાથે, ગાવસ્કરના અવાજમાં જયસ્વાલ માટે નિરાશા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને કેમ ન હોય. જયસ્વાલે ડકેટનો પહેલો કેચ ત્યારે છોડી દીધો જ્યારે તે ફક્ત એક રન પર હતો. ત્યારબાદ જાડેજાએ 15 રનના સ્કોર પર ડકેટને જીવનદાન આપ્યું. ડકેટ આખરે 62 રન બનાવીને અને ઓલી પોપ સાથે 124 રનની પાર્ટનરશિપ કર્યા બાદ પાછો ફર્યો. જયસ્વાલે પોપનો કેચ પણ છોડ્યો જતો. તે સમયે, ઈંગ્લેન્ડના વાઈસ-કેપ્ટને ફક્ત 60 રન બનાવ્યા હતા. પરંતુ જીવનદાનનો ફાયદો ઉઠાવતા, પોપે 100 રન પૂરા કર્યા અને મોટા સ્કોરનો પાયો નાખ્યો.